Thursday, January 30, 2025
More

    મહાકુંભ બાદ હવે અયોધ્યામાં પણ વધી શ્રદ્ધાળુઓની સંખ્યા, નજીકના ભક્તોને હાલ યાત્રા ટાળવા રામ મંદિર ટ્રસ્ટની સલાહ

    પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં (Prayagraj Mahakumbh 2025) 29 જાન્યુઆરી મૌની અમાવસ્યા નિમિત્તે 10 કરોડ ભક્તો પ્રયાગરાજ પહોંચચશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે. અયોધ્યા અહીંથી 168 કિલોમીટર દૂર છે. તેથી, સંગમમાં અમૃત સ્નાન કર્યા પછી ઘણા ભક્તો રામનગરી અયોધ્યા (Ayodhya) પણ પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે આસપાસના ભક્તોને 15 દિવસ પછી જ અયોધ્યા આવવાની સલાહ આપી છે.

    તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે, “મૌની અમાવસ્યાનું મુખ્ય સ્નાન 29 જાન્યુઆરીએ પ્રયાગરાજના કુંભમાં છે. એવો અંદાજ છે કે 29 જાન્યુઆરીએ પ્રયાગરાજમાં લગભગ 10 કરોડ ભક્તો સ્નાન કરશે. પ્રયાગરાજથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી રહ્યા છે. ભક્તો પ્રયાગથી ટ્રેન અને રોડ બંને રીતે અયોધ્યા આવી રહ્યા છે.”

    વધુમાં લખ્યું કે, “છેલ્લા ત્રણ દિવસથી અયોધ્યાજીમાં ભક્તોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થયો છે. અયોધ્યા ધામની વસ્તી અને કદ જોતાં કહી શકાય કે, એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં ભક્તોને રામલલાના દર્શન કરાવવા ખૂબ જ મુશ્કેલ છે અને આ જ કારણે ભક્તોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણામે, કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે, સિસ્ટમમાં યોગ્ય ફેરફારો કરવા જરૂરી બની ગયા છે. ભક્તોને પણ વધુ ચાલવું પડી રહ્યું છે.”

    તેમણે આગળ કહ્યું હતું કે, “અમે નજીકના વિસ્તારોના ભક્તોને 15-20 દિવસ પછી અયોધ્યાની મુલાકાત લેવા વિનંતી કરીએ છીએ, જેથી દૂર-દૂરથી આવતા ભક્તો સરળતાથી ભગવાનના દર્શન કરી શકે. આ દરેક માટે અનુકૂળ રહેશે. વસંત પંચમી પછી, ફેબ્રુઆરી મહિનામાં ઘણી રાહત રહેશે અને હવામાન પણ સારું થશે. જો નજીકના ભક્તો તે સમય માટે કોઈ કાર્યક્રમ બનાવે તો ખૂબ સારું રહેશે. આ વિનંતી પર અવશ્ય વિચાર કરો.”