Monday, February 3, 2025
More

    અયોધ્યામાં થયેલ દલિત યુવતીની હત્યા મામલે 3 આરોપીઓની ધરપકડ: નશાની હાલતમાં કર્યો હતો ગુનો, આગળની કાર્યવાહી શરૂ

    1 ફેબ્રુઆરીએ અયોધ્યામાં (Ayodhya) થયેલ દલિત યુવતીની (Dalit Girl Murder) હત્યા મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. તથા તેમની પૂછપરછ અને અન્ય કાર્યવાહી ચાલી રહી છે. આ ઘટનાનો મુખ્ય આરોપી દિગ્વિજય સિંઘ ઉર્ફે બાબા એ જ ગામનો રહેવાસી છે. આ સિવાય અન્ય 2 આરોપીઓ વિજય સાહુ અને હરી રામ કોરીની ધરપકડ કરવામાં આવી છે.

    એવું સામે આવ્યું છે કે દિગ્વિજય સિંઘની યુવતીના પિતા પાસે અવરજવર રહેતી હતી. 1 મહિના પહેલાં યુવતીના ભાઈ અને આરોપી વચ્ચે મારપીટ થઇ હતી. ત્યારે 30 જાન્યુઆરીએ યુવતી કથામાંથી પરત ફરી રહી હતી ત્યારે ત્રણેય આરોપીઓ નશો કરી રહ્યા હતા. દરમિયાન તેમણે યુવતીને જોઈ અને તેને પકડીને બળજબરીનો પ્રયાસ કર્યો.

    જોકે, યુવતીએ વિરોધ કર્યો, તેના કારણે તેની હત્યા કરીને મૃતદેહ ત્યાં જ છોડીને ફરાર થઈ ગયા. પોલીસને 1 ફેબ્રુઆરીને યુવતીનું શવ મળી આવ્યું હતું. આ મામલે યુવતીના જ ગામના ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય આરોપી મજૂરીનું કામ કરતા હોવાનું સામે આવ્યું છે.

    નોંધનીય છે કે યુવતીની લાશ નગ્નાવસ્થામાં મળી હતી, તથા તેની બંને આંખો પર ઈજા થયેલી હતી. તેના પગમાં પણ ગંભીર ઈજાઓ થયેલી હતી. યુવતીના પરિવારનો આરોપ છે તેની પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો છે, ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી છે.

    જોકે, પોલીસે આ મામલે કોઈ સ્પષ્ટતા કરી નથી. પોલીસે કહ્યું છે કે આરોપીઓએ હત્યાનો ગુનો કબૂલી લીધો છે. ઘટના સ્થળ જોયા બાદ પોલીસની ચાર ટીમો બનાવવામાં આવી હતી. પોલીસ સીસીટીવી ફૂટેજ, વૈજ્ઞાનિક પુરાવા અને બાતમીદાર પાસેથી મળેલી માહિતીના આધારે તપાસ કરી રહી હતી. આ દરમિયાન આરોપીઓ ઝડપાઈ ગયા. તથા પોલીસ પૂછપરછ સહિતની આગામી કાર્યવાહી કરી રહી છે.