Tuesday, June 24, 2025
More

    ભારતીય ગગનયાત્રી શુભાંશુ શુક્લાને અવકાશમાં લઈ જનાર Axiom-4 મિશનનું લૉન્ચ સ્થગિત: ટેકનિકલ ખામીઓ સુધર્યા બાદ જાહેર થશે નવી તારીખો

    ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાને (Shubhanshu Shukla) લઈ જનાર Axiom-4 મિશન ફરી એકવાર સ્થગિત કરવામાં આવ્યું છે. આ મિશન અમેરિકન અવકાશ એજન્સી નાસા (NASA) અને સ્પેસએક્સના (SpaceX) સહયોગથી લૉન્ચ થવાનું હતું, તેમાં તકનીકી ખામીને (Technical Error) કારણે વિલંબ થયો છે.

    સ્પેસએક્સે સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી હતી. જેમાં લખ્યું હતું કે, “સ્ટેટિક ફાયર બૂસ્ટર નિરીક્ષણ દરમિયાન ઓળખાયેલા LOx (Liquid Oxygen) લીકને સુધારવા માટે સ્પેસએક્સ ટીમોને વધારાનો સમય મળે એ માટે આવતીકાલના ફાલ્કન 9 લૉન્ચ X-4 સ્થગિત કરવામાં આવ્યું છે. એકવાર ખામી દૂર થઈ ગયા પછી – અને રેન્જ ઉપલબ્ધતાને આધીન – અમે નવી લૉન્ચ તારીખ શેર કરીશું.”

    ISROએ પણ આ અંગે માહિતી આપતા લખ્યું હતું કે, “ફાલ્કન-9 રોકેટના પ્રથમ તબક્કાની કામગીરી ચકાસવા માટે, લૉન્ચ પેડ પર 7 સેકન્ડનો એક ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટ દરમિયાન રોકેટના એન્જિન વિસ્તારમાં લિક્વિડ ઓક્સિજનનો (LOX) લીક થતો હોવાનું જણાયું. આ મુદ્દે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO), Axiom-4 અને સ્પેસએક્સના નિષ્ણાતો વચ્ચે ચર્ચા થઈ.”

    વધુમાં લખ્યું હતું કે, “તેમણે નિર્ણય લીધો કે આ લીકને ઠીક કરવું જરૂરી છે અને તે પછી જરૂરી ટેસ્ટ કરીને લૉન્ચ માટે મંજૂરી આપવામાં આવશે. આ કારણે, 11 જૂન 2025ના રોજ નક્કી થયેલું Axiom-4 મિશન, જે પ્રથમ ભારતીય ગગનયાત્રીને આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS) પર લઈ જવાનું હતું, તેને સ્થગિત કરવામાં આવ્યું છે.”

    સાદી ભાષામાં કહીએ તો, રોકેટમાં એક નાની ખામી જોવા મળી છે, જેને ઠીક કરવા માટે થોડો સમય લાગશે. ત્યારબાદ બધું બરાબર છે કે નહીં તે ચકાસ્યા પછી જ મિશન લૉન્ચ કરવામાં આવશે.