Tuesday, July 8, 2025
More

    અતુલ સુભાષ આત્મહત્યા કેસ: પત્ની નિકિતા, તેની માતા અને ભાઈને બેંગ્લોરની કોર્ટે આપ્યા જામીન

    બેંગ્લોરના એન્જિનિયર અતુલ સુભાષ આત્મહત્યા કેસ મામલે જેલમાં બંધ પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ નિશા સિંઘાનિયા અને સાળા અનુરાગ સિંઘાનિયાને કોર્ટે જામીન આપ્યા છે. ત્રણેયે જામીન પર મુક્ત થવા માટેની માંગ સાથે કોર્ટમાં અરજી કરી હતી, જેને કોર્ટે શનિવારે (4 જાન્યુઆરી) મંજૂરી આપી. 

    પબ્લિક પ્રોસિક્યુટરે પુષ્ટિ કરતાં જણાવ્યું કે, ત્રણેયની જામીન અરજીને મંજૂરી આપવામાં આવી છે. અમે વિસ્તૃત આદેશની રાહ જોઈ રહ્યા છીએ. એક વખત આદેશ આવી જાય પછી અમને જાણવા મળશે કે જામીન કયા આધાર પર આપવામાં આવ્યા છે અને કઈ શરતો મૂકવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે,  તેઓ આ જામીન આદેશથી ખુશ નથી અને તેને પડકારવામાં આવશે. 

    ઉલ્લેખનીય છે કે અતુલ સુભાષે ગત 9 ડિસેમ્બરના રોજ પત્ની અને સાસરિયાં પર ત્રાસ આપવાનો આરોપ લગાવીને આપઘાત કરી લીધો હતો. તેમણે 24 પાનાંની સ્યુસાઇડ નોટ લખી હતી અને એક દોઢ કલાકનો વિડીયો બનાવ્યો હતો, જેમાં આપવીતી જણાવી હતી. ઘટના બાદ પત્ની સહિત 4 સામે આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો. 

    14 ડિસેમ્બરના રોજ પત્ની, સાસુ અને સાળાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે કેસના ચોથા આરોપી નિકિતાના કાકાને અલ્હાબાદ હાઇકોર્ટે આગોતરા જામીન આપ્યા હતા.