Monday, March 10, 2025
More

    અતુલ સુભાષના મૃત્યુ પર પત્નીના પરિવારે કહ્યું- અમને દુઃખ પણ, અમારો કોઈ દોષ નથી; પત્રકારો સાથે બબાલ કરતો વિડીયો વાયરલ

    બેંગ્લોરમાં AI એન્જિનિયર અતુલ સુભાષે 24 પાનાંની સ્યુસાઇડ નોટ લખીને આત્મહત્યા કર્યા બાદ તેમની પત્ની નિકિતા તથા તેમના અન્ય સાસરિયાં વિરુદ્ધ પોલીસે FIR નોંધી છે. આ દરમિયાન જ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં અતુલના સાસરિયાં પત્રકારો સાથે દુર્વ્યવહાર કરતા જોવા મળ્યા હતા.

    એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં જોઈ શકાય છે કે અતુલની સાસુ નિશા સિંઘાનિયા અને તેમનો સાળો અનુરાગ સિંઘાનિયા પત્રકારો સાથે દલીલો કરી રહ્યા હતા અને બૂમો પાડીને પત્રકારોને કેમેરા બંધ કરવાનું કહીને ધમકી આપતા જોવા મળ્યા હતા.

    ત્યારે બીજી તરફ અતુલની પત્ની નિકિતા સિંઘાનિયાના પરિવારનું નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, “જે બન્યું એમાં આમારો દોષ નથી. અમે ટૂંક સમયમાં તમામ પુરાવા રજૂ કરીશું. અમે કંઈ ખોટું કર્યું નથી. અમને અતુલના મોત પર દુઃખ છે.”

    નોંધનીય છે કે અતુલની આત્મહત્યા બાદ તેમના ભાઈ બિકાસ કુમારે બેંગ્લોરમાં અતુલની વાઈફ નિકિતા સિંઘાનિયા, તેમના સાસુ નિશા સિંઘાનિયા, તેમનો સાળો અનુરાગ સિંઘાનિયા અને નિકિતાના કાકા સુશીલ સિંઘાનિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.