ઉત્તર પ્રદેશમાં ફરી એક વખત ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દિલ્હીથી સહારનપુર જતી પેસેન્જર ટ્રેનને શામલી જિલ્લાના એક વિસ્તારમાં મોડી રાત્રે ઉથલાવી પાડવા માટે રેલવે ટ્રેક પર સિમેન્ટના પાઇપ અને પથ્થર નાખી દેવામાં આવ્યા હતા. જોકે લોકો પાયલટને દૂરથી જ દેખાય જતાં સૂઝબૂઝ વાપરીને ઇમરજન્સી બ્રેક લગાવી દેતાં મોટો અકસ્માત ટળી શકાયો.
વધુ જાણકારી અનુસાર, ટ્રેન લગભગ રાત્રે 10:30 વાગ્યે શામલી અને બલવા સ્ટેશન નજીક હતી ત્યારે ટ્રેક પર પાઇપ અને પથ્થર જોવા મળ્યા. લોખંડનો પાઈપ લગભગ 10 ફિટ લાંબો હતો અને સાથે કેટલાક પથ્થર મૂકવામાં આવ્યા હતા. લોકો પાયલટે આ જોતાં જ ટ્રેન થોભાવી દીધી.
ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતાં અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને તપાસ શરૂ કરી હતી. હાલ પોલીસ વધુ જાણકારી મેળવવા માટે તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં ઉત્તર પ્રદેશ સહિત અનેક ઠેકાણેથી આ પ્રકારના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, જ્યાં પેસેન્જર ટ્રેન ઉથલાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હોય.