અમદાવાદમાં (Ahmedabad) જુહાપુરા, જમાલપુર બાદ શનિવારે (18 જાન્યુઆરી) AMCની ટીમ અને ગુજરાત પોલીસ (Police) રાણીપ (Ranip) વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે પહોંચી હતી. જે દરમિયાન સ્થાનિક લોકોએ ટીમ પર હુમલો (Attack) કરી દીધો હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, સ્થાનિક લોકોએ પોલીસ અને નગરપાલિકાની ટીમ પર પથ્થરમારો પણ કર્યો હતો.
આ ઉપરાંત આરોપ એવો પણ છે કે, સ્થાનિક આરોપીઓએ PSIનો કોલર પકડી લીધો હતો અને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઉપરાંત સ્થાનિક લોકો પૈકીના કેટલાક વ્યક્તિઓએ આત્મહત્યાની ધમકી પણ આપી હતી. આ ઘટના બાદ AMCના TDO ઇન્સ્પેકટર કેતન પ્રજાપતિ દ્વારા આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પોલીસ ફરિયાદમાં AMC ટીમની કાર્યવાહીમાં અડચણ ઊભી કરવી, તેમજ હુમલો કરવાના આરોપસર બે મહિલા સહિત ત્રણ પુરુષ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, એવું પણ જાણવા મળી રહ્યું છે કે, આ ઘટના બાદ પણ તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ પોલીસ આ મામલે જરૂરી કાર્યવાહી કરી રહી હોવાનું સામે આવ્યું છે.