રાજસ્થાનના અજમેરમાં હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અજમેર દરગાહમાં શિવાલય હોવાના દાવા સાથે કોર્ટમાં કેસ દાખલ કરનાર વિષ્ણુ ગુપ્તા પર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ અજમેરથી દિલ્હી જઈ રહ્યા હતા તે સમયે બાઈક પર આવેલા અજાણ્યા લોકોએ તેમના પર ગોળીઓ વરસાવી.
ઘટના બાદ તેની જાણકારી તાત્કાલિક પોલીસને આપવામાં આવી. આ દરમિયાન વિષ્ણુ ગુપ્તાની ગાડી પર ગોળીનાં નિશાન પણ જોવા મળ્યાં હતાં. પોલીસે ઘટનાની સંવેદનશીલતાને ધ્યાને રાખીને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ મામલે ACP રૂરલ દીપક કુમાર પણ ઘટના પર દોડી આવ્યા હતા અને તેમણે પણ ગાડી પર બુલેટ માર્ક હોવાની પુષ્ટિ કરી હતી. નોંધવું જોઈએ કે વિષ્ણુ ગુપ્તાએ થોડા સમય પહેલાં જ તેમના જીવને જોખમ હોવાનું જણાવ્યું હતું.
મામલાની તપાસ માટે FSL ટીમ બોલવામાં આવી છે. આ ઘટના વિશે ગુપ્તાએ જણાવ્યું હતું કે, અજમેર દરગાહવાળા મામલાને લઈને વિવાદ વધી રહ્યો છે. 24 જાન્યુઆરીએ તેની સુનાવણી થઈ છે, દરમિયાન તેમણે જજ સમક્ષ સુરક્ષાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમને સતત ધમકીઓ મળી રહી છે આથી પોતાને અને પરિવારને સુરક્ષા પ્રદાન કરવામાં આવે.
વિષ્ણુ ગુપ્તાનું કહેવું છે કે સુનાવણી દરમિયાન પણ કોર્ટમાં સામા પક્ષનાં ટોળેટોળાં એકઠાં થઈ જાય છે. જેના કારણે કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા જાળવી રાખવામાં અડચણ આવે છે. આવી સ્થિતિમાં તેમણે કોર્ટ પાસે વિશેષ સુરક્ષા પગલાં લેવા માટે પણ અપીલ કરી છે. આ કેસને ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવી રહ્યો છે અને આ કારણે કોર્ટ પરિસરની સુરક્ષા વધારવામાં આવે તેવી સંભાવનાઓ છે. ઉલ્લેખનીય છે કે વિષ્ણુ ગુપ્તાએ વિવાદિત અજમેર દરગાહમાં શિવાલય હોવાનો દાવો કરીને ત્યાં સર્વેક્ષણની માંગ કરી છે.