દિલ્હી વિધાનસભામાં ભવ્ય જીત મેળવીને સરકાર બનાવવાનાં સપનાં જોતી આમ આદમી પાર્ટીએ આખરે પરાજય બાદ વિપક્ષ નેતાની નિમણૂક કરી દીધી છે. આ જવાબદારી આતિશી માર્લેનાને આપવામાં આવી છે, જેઓ પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યાં છે.
રવિવારે (23 ફેબ્રુઆરી) આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવારોની એક બેઠક યોજાઈ હતી, જેમાં આતિશીને નેતા ચૂંટવામાં આવ્યાં. તેઓ વિધાનસભામાં નેતા વિપક્ષ હશે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણીમાં કન્વીનર અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલથી માંડીને મનીષ સિસોદિયા અને સૌરભ ભારદ્વાજ, સત્યેન્દ્ર જૈન જેવા તમામ નેતાઓ હારી જતાં વિપક્ષ નેતા માટે બહુ ઓછા વિકલ્પો બાકી રહ્યા હતા. આતિશી માર્લેના કાલકાજી બેઠક પરથી ચૂંટણી જીત્યાં હતાં.
દિલ્હી વિધાનસભાનું સત્ર 24 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે, જેમાં પ્રથમ દિવસે ધારાસભ્યો શપથ લેશે. બીજા દિવસે પેન્ડિંગ CAG રિપોર્ટ રજૂ કરવામાં આવશે, જેમાં પાછલી કેજરીવાલ સરકારનાં કાળાં કામોનો હિસાબ નીકળશે. જેને જોતાં સત્ર ધમાકેદાર થવાની સંભાવનાઓ છે.