Tuesday, March 25, 2025
More

    દક્ષિણી નાઈજીરિયામાં એક્સપ્રેસ હાઈવે પર ભીષણ વિસ્ફોટ: 18નાં મોત, અનેક ઘાયલ

    તાજી માહિતી અનુસાર દક્ષિણી નાઇજીરીયામાં એક ભીષણ વિસ્ફોટમાં 18 લોકોનાં મોત થયાં હોવાના સમાચાર સામે આવ્યા છે. આ વિસ્ફોટમાં 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ઇંધણ લઇ જઈ રહેલા એક ટેન્કરમાં આગ લાગતાં આ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં અનેક ગાડીઓ બળીને રાખ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે.

    નાઇજીરીયા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર આ દુર્ઘટના દક્ષિણ-પૂર્વીય રાજ્ય એનુગુ ખાતે એનુગુ-ઓનીત્સા એક્સપ્રેસ હાઈવે પર ઘટી હતી. દુર્ઘટનામાં જ્વલનશીલ ઇંધણ લઈને જઈ રહેલા એક ટેન્કર અનિયંત્રિત થઈને અન્ય વાહનો સાથે અથડાઈ ગયું. યમ બનેલા ટેન્કરે લગભગ 17થી વધુ વાહનોને હડફેટે લીધાં હોવાના અહેવાલ છે.

    અકસ્માત સર્જાયા બાદ ટેન્કરમાં આગ લાગી ગઈ હતી. કોઈ કશું સમજે તે પહેલાં જ ઇંધણ ભરેલું ટેન્કર બોમ્બની માફક ફાટ્યું અને આસપાસના અનેક લોકો આગન જ્વાળામાં ભૂંજાઈ ગયા. ઘટનામાં 18 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે. અહેવાલોમાં એક અધિકારીને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે બચાવ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે અને લોકો એ હદે દાઝી ગયા છે કે તેમની ઓળખ કરવી અઘરી થઈ પડી છે.