Sunday, April 13, 2025
More

    શિલાન્યાસ સમારંભમાં લાલની જગ્યાએ ગુલાબી રીબીન જોઈને ભડક્યા ધારાસભ્ય, સામાન્ય નાગરિકને માર્યો ઢોરમાર: આસામમાં બદરુદ્દીન અજમલની પાર્ટી AIDUFના છે આ MLA

    તાજેતરમાં જ આસામનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક AIUDF ધારસભ્ય (AIUDF MLA) એક સામાન્ય વ્યક્તિ સાથે મારપીટ કરતા જોવા મળી રહ્યા છે. સામે આવેલ અહેવાલ અનુસાર ઘટના કંઇક એવી બની હતી કે ધુબરી જિલ્લાના ધારસભ્ય સમસુલ હુદા (Samsul Huda) એક જગ્યાએ પુલના શિલાન્યાસમાં ગયા હતા.

    અહેવાલ મુજબ રીબીન કાપીને પુલનો શિલાન્યાસ કરવા માટે સમસુલ હુદાને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ રીબીન બે કેળાના છોડ વચ્ચે બાંધવામાં આવી હતી. પરંતુ જ્યારે  AIUDF ધારાસભ્ય રીબીન કટ કરવા ગયા ત્યારે ગુસ્સે થઈ ગયા.

    એનું કારણ એ હતું કે રીબીનનો કલર લાલ નહીં પણ ગુલાબી હતો. લાલની જગ્યાએ ગુલાબી રીબીન જોઈને સમસુલ હુદા લાલચોળ થઈ ગયા અને પાસે ઉભેલ વ્યક્તિ સાથે મારપીટ કરવા લાગ્યા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

    આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે તેમણે પહેલા એ વ્યક્તિને લાફો માર્યો, પછી પાસે પડેલ કેળાનો છોડ ઉઠાવીને વ્યક્તિને મારવા લાગ્યા. અહેવાલ અનુસાર આ વ્યક્તિનું નામ સાહિદુર હુસૈન છે અને તે પુલના ઠેકેદારના સહકર્મી છે.

    આ ઘટના અંગે તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “હું ફક્ત મારી ફરજ બજાવી રહ્યો હતો ત્યારે ધારાસભ્ય હુદાએ કોઈ પણ ઉશ્કેરણી વિના મારા પર હુમલો કરી દીધો. મને કોઈ જનપ્રતિનિધિ પાસેથી આવા વર્તનની અપેક્ષા નહોતી. તે અપમાનજનક અને પીડાદાયક હતું.”