Saturday, March 8, 2025
More

    20 વર્ષ બાદ દ્વારકાના દરિયામાં પ્રાચીન નગર શોધવા ફરી શરૂ થયું સંશોધન: પાંચ પુરાતત્ત્વવિદોની ટીમમાં પ્રથમવાર મહિલા સંશોધકોનો સમાવેશ

    20 વર્ષ પછી ગુજરાતના દ્વારકાના (Dwarka) દરિયામાં પાણીની અંદર ફરીથી સંશોધન શરૂ કરવામાં આવ્યું છે. આ સંશોધન આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના (ASI) પાંચ પુરાતત્ત્વવિદોની (archaeologists) ટીમે શરૂ કર્યું છે. જેમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ પ્રો. આલોક ત્રિપાઠીની આગેવાની હેઠળની ટીમ કામ કરી રહી છે.

    આ ટીમમાં એચ.કે.નાયક,  અપરાજિતા શર્મા, સુશ્રી પૂનમ વિંદ અને રાજકુમારી બાર્બિના સહિતના લોકોનો સમાવેશ થાય છે. નોંધનીય બાબત એ પણ છે કે પ્રથમ વખત, શોધ ટીમમાં મહિલા પુરાતત્વવિદોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    સરકારી પ્રેસ રિલીઝ અનુસાર અગાઉ અંડરવોટર આર્કિયોલોજી વિંગે દ્વારકામાં 2005થી 2007 દરમિયાન ઓફશોર અને ઓનશોર ખોદકામ કર્યું હતું. નીચી ભરતી દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોની તપાસ કરવામાં આવી હતી. જ્યાં શિલ્પો અને પથ્થરના લંગર મળી આવ્યા હતા.

    ધ ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ASI ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “પાણીની અંદરના ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને સુરક્ષિત રાખવાના ASIના મિશનમાં પાણીની અંદર ચાલી રહેલી તપાસ એક મહત્વપૂર્ણ પગલું છે જે ભારતમાં દરિયાઈ પુરાતત્વ અભ્યાસમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.”

    આ પ્રોજેક્ટના જાણકાર અધિકારીઓએ જણાવ્યા અનુસાર દ્વારકામાં પાણીની અંદરનું સંશોધન એ ASIની નવીનીકૃત અંડરવોટર આર્કિયોલોજી વિંગનો (UAW) એક ભાગ છે, જેને તાજેતરમાં દ્વારકા અને બેટ દ્વારકામાં ઓફશોર સર્વેક્ષણ અને તપાસ હાથ ધરવા માટે ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. આ એકમ 1980ના દાયકાથી પાણીની અંદરના પુરાતત્વીય સંશોધનમાં મોખરે છે.

    નોંધનીય છે કે UAW 2001થી, બંગારામ ટાપુ (લક્ષદ્વીપ), મહાબલિપુરમ (તમિલનાડુ), દ્વારકા (ગુજરાત), લોકતક તળાવ (મણિપુર) અને એલિફન્ટા (મહારાષ્ટ્ર) જેવા સ્થળોએ સંશોધન કરી રહી છે. 

    દ્વારકાનો ઉલ્લેખ વિશ્વના મહાકાવ્ય મહાભારતમાં પણ જોવા મળે છે. કહેવાય છે કે મથુરામાં કંસ, જરાસંધ સહિતના રાજાઓને હરાવ્યા બાદ શ્રીકૃષ્ણ દ્વારકામાં આવીને વસ્યા હતા. આ ઉપરાંત આ નગરી મહાભારતકાળ દરમિયાન વિકાસ પામી હોવાનું પણ કહેવાય છે. જોકે મહેમુદ બેગડા અને તેના શાસકોએ આ નગરીનો નાશ કર્યો હતો. ત્યારબાદ 16મી સદીમાં તેને ફરીથી વિકસાવવામાં આવી હતી. દંતકથાઓ અનુસાર દ્વારકાના દરિયામાં સોનાની દ્વારિકા નગરી છૂપાયેલી છે.