Tuesday, March 4, 2025
More

    BJP સરકાર બનતા જ વધી રહી છે કેજરીવાલની ચિંતાઓ: એકબાદ એક રજૂ થઈ રહ્યા છે CAG અહેવાલો, અગાઉના રિપોર્ટ્સમાં પણ અનિયમિતતા તપાસશે PAC

    AAP સુપ્રીમો અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) મુશ્કેલીઓનો અંત નજરે નથી ચડી રહ્યો. દિલ્હી વિધાનસભામાં (Delhi Assembly) આરોગ્ય સંબંધિત અનિયમિતતાઓ પર રજૂ કરાયેલા CAG રિપોર્ટ પર ચર્ચા પૂર્ણ થયા બાદ રિપોર્ટ વિધાનસભાની પબ્લિક એકાઉન્ટ્સ કમિટીને (PAC) તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. ત્રણ મહિના બાદ તપાસ રિપોર્ટ સુપરત કરવાનો રહેશે.

    દિલ્હી વિધાનસભામાં ચાર દિવસ સુધી આરોગ્ય સંબંધિત અનિયમિતતાઓ પરના CAG રિપોર્ટ પર ચર્ચા પછી, મુખ્યમંત્રી રેખા ગુપ્તાકેબિનેટ મંત્રીઓ, શાસક પક્ષના અગ્રણી સભ્યો સહિત, વિધાનસભા અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ રિપોર્ટ તપાસ માટે PACને મોકલી આપ્યો હતો.

    વિધાનસભા અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું હતું કે આ CAG ઓડિટ રિપોર્ટ 2016-17થી 2021-22 સુધીના સમયગાળાને આવરી લે છે, જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) સરકાર સત્તામાં હતી. આ અહેવાલમાં આરોગ્ય સેવાઓ અને જાહેર આરોગ્ય માળખાગત સુવિધાઓ સંબંધિત અનેક ગંભીર મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

    અધ્યક્ષ ગુપ્તાએ કહ્યું કે રિપોર્ટની તપાસ જરૂરી છે જેથી કોરોનાકાળ સહિત અન્ય ગંભીર બાબતો પર કાર્યવાહી કરી શકાય અને જવાબદારોને સજા મળી શકે. સ્પીકરે આદેશ આપ્યો કે PAC પ્રાથમિકતાના આધારે અહેવાલની સમીક્ષા કરશે અને ત્રણ મહિનાની અંદર તેનો અહેવાલ રજૂ કરશે.