Monday, March 17, 2025
More

    લોકસભા ચૂંટણીમાં કર્યું હતું ગઠબંધન, બેઠકોમાં હોંશેહોંશે લીધો હતો ભાગ…હવે વિધાનસભા ચૂંટણી આવી તો કેજરીવાલે કહ્યું- કોંગ્રેસ કો કોઈ સિરિયસલી નહીં લેતા!

    લોકસભા ચૂંટણી વખતે દિલ્હીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરનાર આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હવે કોંગ્રેસ વિશે જ વિચિત્ર નિવેદન આપી દીધું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીને ગંભીરતાથી લેવી ન જોઈએ. 

    વિધાનસભા ચૂંટણી પહેલાં છાશવારે પ્રેસ કૉન્ફરન્સ કરતા રહેતા કેજરીવાલે શનિવારે (4 જાન્યુઆરી) પણ એક પત્રકાર પરિષદ યોજી હતી. દરમ્યાન કોંગ્રેસ વિશેના પ્રશ્નના જવાબમાં તેમણે હસતાં-હસતાં કહ્યું કે, કોંગ્રેસને તમે બધા ગંભીરતાથી કેમ લો છો? 

    કેજરીવાલે કહ્યું, “આપ કોંગ્રેસ કો ઇતના સિરિયસલી ક્યોં લેતે હો? જનતા ને લેના બંધ કર દિયા, આપ પત્રકાર લોગ અભી ભી સિરિયસલી લેતે હો.” AAP સુપ્રીમોએ એમ પણ કહ્યું કે, કોંગ્રેસ અને ભાજપે હવે ઔપચારિક એલાન કરી દેવું જોઈએ કે તેઓ દિલ્હીમાં આમ આદમી પાર્ટી વિરુદ્ધ મળીને લડી રહ્યા છે. 

    ખાસ નોંધવું જોઈએ કે આઠ જ મહિના પહેલાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ દિલ્હી અને ગુજરાત જેવાં રાજ્યોમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું. જોકે, ક્યાંય સફળતા મળી ન હતી. દિલ્હીમાં AAP 4 બેઠકો પર અને કોંગ્રેસ 3 બેઠકો પર લડી હતી, જેમાંથી એક પણ પાર્ટીએ એક પણ જીતી ન હતી અને તમામ ભાજપના ફાળે ગઈ હતી.