દિલ્હીમાં આમ આદમી પાર્ટીના (AAP) વરિષ્ઠ નેતા અને મંત્રી કૈલાશ ગેહલોતે પાર્ટીમાંથી અને મંત્રી પદ પરથી રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે. ત્યારે આ જ ચોંકાવનારા ઘટનાક્રમને લઈને જયારે પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલને પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેઓ સવાલથી ભાગતા નજરે પડ્યા છે. એક પત્રકાર પરિષદ દરમિયાન અરવિંદ કેજરીવાલે ગેહલોત પરના સવાલ પર માઈક જ સાઈડ પર કરી દીધું હતું.
એક પ્રેસ કૉન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલ જ્યારે પત્રકારોને સંબોધી રહ્યા હતા, ત્યારે તેમને કૈલાશ ગેહલોત પર સવાલ કરવામાં આવ્યો હતો કે, તેમના રાજીનામાં પર તેમની શું પ્રતિક્રિયા છે. આ સવાલ સાંભળતા જ અરવિંદ કેજરીવાલે પોતાની સામે મુકેલું માઈક સાઈડ પર હટાવી દીધું હતું. ગેહલોત પરના સવાલનો જવાબ આપવાના બદલે તેમણે માઈક અન્ય નેતા તરફ ફેરવી દીધું હતું.
તેમની આ હરકત પર તરત જ એક પત્રકારે પ્રતિક્રિયા આપતા પૂછ્યું કે, શું તેઓ આ ઘટના પર વાત નથી કરે? શું તેઓ આ સવાલનો જવાબ નહીં આપે? તેના પર કેજરીવાલે મરકીને કહ્યું કે, “આપી તો રહ્યા છીએ. આપને જવાબ જ જોઈએ છે ને?” જોકે, આ પત્રકાર પરિષદ પર અરવિંદ કેજરીવાલ ધરાર કૈલાશ ગેહલોત પર ન બોલ્યા તે ન જ બોલ્યા. અંતે દુર્ગેશ પાઠકે પત્રકારોને આ મામલે જવાબ આપ્યો હતો.