Thursday, March 27, 2025
More

    બલિદાન થયો પણ અનેક જવાનોના જીવ બચાવી ગયો ‘ફેન્ટમ’…આતંકીઓ સામે લડતાં-લડતાં વીરગતિ પામેલા શ્વાનને સેનાએ આપી અંતિમ વિદાય

    જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન ભારતીય સેનાનો એક શ્વાન (Army Dog) વીરગતિ પામ્યો હતો. બુધવારે (30 ઑક્ટોબર) આ શ્વાન ફેન્ટમને (Phantom) પૂરેપૂરા સન્માન અને આર્મી પ્રોટોકોલ સાથે અંતિમ વિદાય આપવામાં આવી. 

    જમ્મુ ડિફેન્સ PRO દ્વારા X અકાઉન્ટ પરથી જણાવવામાં આવ્યું કે, “28 ઑક્ટોબર, 2024ના રોજ અખનૂરના જંગલમાં લડતાં-લડતાં સર્વોચ્ચ બલિદાન આપનાર આર્મી ડૉગ ફેન્ટમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. તેનું બલિદાન ક્યારેય ન ભૂલી શકાય.”

    ફેન્ટમ ચાર વર્ષીય બેલ્જિયન શેફર્ડ શ્વાન હતો. ઑગસ્ટ, 2022માં તેને સેનામાં ભરતી કરવામાં આવ્યો હતો. 

    28 ઑક્ટોબરના રોજ તે સેનાના જવાન સાથે અખનૂરના જંગલોમાં એક ઑપરેશન માટે ગયો હતો. અહીં આતંકવાદીઓએ સેનાની ટુકડીને ઘેરી લીધી હતી. ત્યારે ફેન્ટમે આતંકવાદીઓને શોધી કાઢ્યા હતા. પરંતુ પછી આતંકીઓએ ગોળીબાર કરતાં તે ઢળી પડ્યો હતો. 

    ફેન્ટમ બચી ન શક્યો પણ કેટલાય જવાનોને તેણે બચાવ્યા. સેનાએ પછીથી તેને યાદ કરતાં લખ્યું કે, અમે અમારા સાચા હીરોના સર્વોચ્ચ બલિદાનને નમન કરીએ છીએ. તેનું શૌર્ય, વફાદારી અને સમર્પણ ક્યારેય ભૂલી ન શકાય.” પછીથી સેનાએ જણાવ્યું કે આતંકવાદીને ઠાર મરાયો હતો.