હરિયાણાના નૂંહમાં શનિવારે (17 માર્ચ) 26 વર્ષીય અરમાન નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તેના પર પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ છે. પોલીસ અધિકારીઓએ આ વિશેની માહિતી આપી છે. નૂંહ પોલીસ અનુસાર, આરોપી અરમાન દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈકમિશનના એક કર્મચારી દ્વારા માહિતી પહોંચાડતો હતો.
પોલીસે વધુમાં કહ્યું કે, પાકિસ્તાની હાઈકમિશનના કર્મચારી દ્વારા આરોપી ભારતીય સેના અને અન્ય સૈન્ય ગતિવિધિઓ વિશેની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને આપતો હોવાનો આરોપ છે. તે ઘણા સમયથી વોટ્સએપ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સૂચનાઓ અને સંવેદનશીલ માહિતી મોકલતો હતો.
પોલીસે કહ્યું કે, તેના ફોનની તપાસ કરતા પાકિસ્તાની નંબરો, વાતચીત અને તસવીરો પણ મળી આવી છે. આરોપી વિરુદ્ધ BNS અને સરકારી ગોપનિયતા અધિનિયમ 1923ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ પહેલાં એક યુટ્યુબર મહિલાની પણ ધરપકડ કરવામાં આવી હતી.