Monday, June 23, 2025
More

    જ્યોતિ મલ્હોત્રા બાદ વધુ એક યુટ્યુબર જસબીર સિંઘની પાકિસ્તાન માટે જાસૂસીના આરોપસર ધરપકડ

    જ્યોતિ મલ્હોત્રા બાદ અન્ય એક યુટ્યુબરની પાકિસ્તાન સાથે જોડાણ અને જાસૂસીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. જસબીર સિંઘ (41) નામના શખ્સની પંજાબ પોલીસે ધરપકડ કરી લીધી છે, જેની સત્તાવાર પુષ્ટિ સ્વયં રાજ્ય પોલીસ વડા (DGP) દ્વારા કરવામાં આવી છે. 

    પંજાબ DGPએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, ઇન્ટેલિજન્સના આધારે રાજ્ય સ્પેશિયલ ઑપરેશન સેલ મોહાલીએ રૂપનગરના એક ગામમાંથી જસબીર સિંઘ સંબંધિત એક જાસૂસી નેટવર્ક શોધી કાઢ્યું છે. જસબીર એક યુટ્યુબર ચેનલ ચલાવે છે અને તેનાં જોડાણ પાકિસ્તાનના PIO એજન્ટ શાકિર સાથે જોવાનું જાણવા મળ્યું છે. 

    તેમણે જણાવ્યું કે, જસબીર હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા સાથે પણ સંપર્કમાં હતો. જ્યોતિની ધરપકડ જાસૂસી અને પાકિસ્તાન હાઈકમિશનમાં કામ કરતા શંકાસ્પદ જાસૂસ અહેસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશ સાથે સંપર્કો હોવાના કારણે થઈ હતી. 

    તપાસમાં જાણવા મળ્યું કે, જસબીરે પણ દિલ્હી પાકિસ્તાન હાઈકમિશનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને તેને પણ દાનિશે જ આમંત્રણ આપ્યું હતું. જસબીર 2020, 2021 અને 2024 એમ કુલ ત્રણ વખત પાકિસ્તાન જઈ આવ્યો છે. જે મામલે હાલ તપાસ ચલાવવામાં આવી રહી છે. 

    એમ પણ જાણવા મળ્યું કે જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ જસબીરે PIO સાથેના તેના સંપર્કોના તમામ પુરાવાઓ નષ્ટ કરવાના પ્રયાસ કર્યા હતા. આ મામલે મોહાલીમાં એક FIR દાખલ કરવામાં આવી છે. હાલ આ નેટવર્કમાં અન્ય કોઈ માણસો સંડોવાયેલા હોય તો તેમની શોધખોળ માટે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.