Wednesday, June 25, 2025
More

    અમેરિકામાં બાયોલોજિકલ પેથોજનની દાણચોરીના આરોપમાં વધુ એક ચીની નાગરિકની ધરપકડ: વુહાન સાથે કનેક્શન આવ્યા સામે, FBIએ આપી માહિતી

    ગત અઠવાડિયે અમેરિકામાં (America) બાયોલોજિકલ મટેરિયલની (Smuggling of Biological Material) દાણચોરી કરવાના આરોપમાં 2 ચીની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેમના ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથેના કનેક્શન સામે આવ્યા હતા. ત્યારે હવે સામે આવેલ માહિતી અનુસાર અન્ય એક ચીની સંશોધકની (Chinese National Arrested) ધરપકડ કરવામાં આવી છે.

    આ અંગેની માહિતી FBIના ડિરેક્ટર કાશ પટેલે X પર પોસ્ટ કરીને આપી હતી. તેમણે લખ્યું હતું કે, “ગઈકાલે, @FBIDetroitએ અમેરિકામાં જૈવિક સામગ્રીની દાણચોરી કરવા અને ફેડરલ એજન્ટો સમક્ષ ખોટું બોલવા બદલ બીજા ચીની નાગરિકની ધરપકડ કરી.”

    તેમણે વધુમાં લખ્યું હતું કે, “આ વ્યક્તિ ચેંગક્સુઆન હાન છે, જે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના નાગરિક છે અને ચીનના વુહાનમાં (Wuhan) પીએચડીનો વિદ્યાર્થી છે. હાન તાજેતરના દિવસોમાં સમાન આરોપોમાં PRC સાથે જોડાયેલ ત્રીજી વ્યક્તિ છે. હાન પર મિશિગન યુનિવર્સિટીની એક પ્રયોગશાળા સાથે સંકળાયેલા વ્યક્તિઓને સંબોધિત રાઉન્ડવોર્મ્સ સંબંધિત જૈવિક સામગ્રી ધરાવતા ચાર પેકેજો ચીનથી યુએસ મોકલવાનો આરોપ છે.”

    તેમણે જણાવ્યું હતું કે, “8 જૂનના રોજ ડેટ્રોઇટ મેટ્રોપોલિટન એરપોર્ટ પર પહોંચ્યા પછી, હાને કથિત રીતે ફેડરલ અધિકારીઓને તેણે અગાઉ મોકલેલા પેકેજો વિશે ખોટા નિવેદનો આપ્યા હતા અને તેણે થોડા દિવસો પહેલા જ તેનું ઇલેક્ટ્રોનિક ઉપકરણ (મોબાઈલ કે લેપટોપ) ફોર્મેટ કરી નાખ્યું હતું. FBI અને ICE HSI એજન્ટો સાથેના ફોલો-અપ ઇન્ટરવ્યુમાં, હાને પેકેજો મોકલવાની અને તેની સામગ્રી વિશે ખોટી માહિતી આપવાની કબૂલાત કરી હતી.”