Sunday, November 10, 2024
More

    કચ્છ લવ જેહાદ કેસમાં વધુ એક આરોપી કાસમ હિંગોળજાની ધરપકડ: જિયાદને તમામ પ્રકારની પૂરી પાડી રહ્યો હતો મદદ

    કચ્છ લવ જેહાદ કેસમાં હવે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે, મુખ્ય આરોપી જિયાદની મદદ કરનાર અન્ય એક આરોપી કાસમ હિંગોળજા (ઓસમાણ)ની પોલીસે ગોધરાથી ધરપકડ કરી છે. આરોપી કાસમ જિયાદનો ખાસ મિત્ર હોવાનું સામે આવ્યું છે. જિયાદ જ્યારે પણ કચ્છમાં આવતો હતો, ત્યારે આરોપી કાસમ તેને તમામ મદદ પૂરી પાડી રહ્યો હતો. આ આરોપીએ પીડિતાના ઘરનું એડ્રેસ પણ જિયાદને આપ્યું હતું.

    આ ઉપરાંત તેણે જિયાદને રહેવા માટે ગેસ્ટહાઉસ અને હોટેલની વ્યવસ્થા પણ કરી આપી હોવાનું સામે આવ્યું છે. સાથે એ પણ જાણવા મળ્યું છે કે, આ મદદ કરવાના બદલે જિયાદે તેને 4 હજાર રૂપિયા પણ આપ્યા હતા. આ ઘટનાને લઈને પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને શંકા છે કે, આ ઘટના એક મોટા ષડ્યંત્રનો ભાગ હોય શકે છે.

    માહિતી અનુસાર, આરોપી કાસમ ગોધરામાં આવેલા શિવશક્તિ ગેસ્ટહાઉસમાં કામ કરે છે અને જિયાદને રહેવા માટે તેણે આ જ ગેસ્ટહાઉસમાં વ્યવસ્થા પણ કરી આપી હતી. આ ઉપરાંત તેણે યુવતીના ઘરનું સરનામું પણ મુખ્ય આરોપીને આપ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.

    નોંધવા જેવું છે કે, કચ્છની એક દલિત હિંદુ યુવતી પરિવાર સાથે મુંબઈ રહેવા ગઈ હતી, દરમિયાન જિયાદ નામના શખ્સે ગેમિંગ દ્વારા ‘જિગર’ તરીકેની ઓળખ આપી તેની સાથે સંબંધો બાંધ્યા હતા અને બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં લગ્નની વાત આવતા તેણે પોતે જિયાદ હોવાનું કબૂલ્યું હતું. ઘટના બાદ પીડિતાનો પરિવાર કચ્છ પરત આવ્યો હતો અને યુવતીની સગાઈ કરાવી નાખી હતી.

    પરંતુ આરોપી જિયાદે યુવતી સાથેના અભદ્ર ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરતાં સગાઈ તૂટી ગઈ હતી. આખરે યુવતીએ કંટાળીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે POCSO સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધી જિયાદની ધરપકડ કરી હતી. દરમિયાન રિમાન્ડમાં પણ અનેક ખુલાસો સામે આવ્યા હતા.