Thursday, March 6, 2025
More

    ચંદ્રબાબુ નાયડુ સરકારે ભંગ કર્યું આંધ્ર પ્રદેશનું વક્ફ બોર્ડ, જગન મોહન સરકારનો આદેશ લેવાયો પરત

    આંધ્ર પ્રદેશની (Andhra Pradesh) ચંદ્રબાબુ નાયડુ સરકારે રાજ્યનું વક્ફ બોર્ડ (Waqf Board) ભંગ કરવાનો નિર્ણય લીધો છે. શનિવારે (30 નવેમ્બર) આ આદેશ બહાર પડવામાં આવ્યો. બોર્ડનું ગઠન પાછલી જગન મોહન રેડ્ડીની સરકારમાં થયું હતું. 

    આંધ્ર સરકારે પાછલી સરકાર દરમિયાન લઘુમતી કલ્યાણ વિભાગ તરફથી જાહેર GO-47 રદ કરીને GO-75 જારી કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું કે, આંધ્ર પ્રદેશ વક્ફ બોર્ડના અધ્યક્ષની ચૂંટણી પર હાઇકોર્ટે રોક લગાવી દીધી હતી. તે સમયે રાજ્ય વક્ફ બોર્ડ ગઠનના 2023ના સરકારી આદેશની બંધારણીય વૈધતાને પડકારતા અમુક લંબિત કેસોના કારણે પ્રશાસનિક અડચણો આવતી હતી. જેથી બોર્ડના ગઠન માટેનો અગાઉનો આદેશ પરત લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

    આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ‘હાઇકોર્ટના અવલોકનોને ધ્યાનમાં લઈને સુશાસન અને વક્ફ સંપત્તિની જાળવણીના હેતુથી તેમજ વક્ફ બોર્ડના સુચારુ સંચાલન માટે સરકાર આ ક્ષણથી 21 ઑક્ટોબર, 2023નો આદેશ પરત ખેંચી રહી છે.’