રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર (reliance Industries Ltd Director) અનંત અંબાણીએ (Anant Ambani) તેમના 30મા જન્મદિવસ પહેલા જામનગરથી ભગવાન કૃષ્ણની ભૂમિ દ્વારકા સુધી જવા માટે પદયાત્રા (Padyatra) કરી રહ્યા છે.. તેમણે ભગવાન દ્વારકાધીશના દર્શન સાથે જન્મદિવસ ઉજવવાનો સંકલ્પ કર્યો છે. 140 કિમીની આ પદયાત્રાનો આજે પાંચમો દિવસ છે.
આ પદયાત્રાનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં અનંત અંબાણી એક મરઘી સાથે દેખાઈ રહ્યા છે. બન્યું એવું હતું કે તેમને પદયાત્રા દરમિયાન મરઘીઓને કતલખાને લઈ જતી એક ગાડી રસ્તામાં મળી હતી. ત્યારે તેમણે આ બધી મરઘીઓને બચાવી લીધી હતી.
View on Threads
વિડીયોમાં તે કહી રહ્યા હતા કે “આ બધી મરઘી છોડાવી લો અને એના માલિકને જોઈતા પૈસા આપી દો.” તેમણે આખી ગાડીમાં રહેલી બધી મરઘીઓને ખરીદીને કતલખાને જતા બચાવી લીધી હતી. તેમણે લગભગ 250થી વધુ મરઘીઓને છોડાવી લીધી હતી.
દિવ્યભાસ્કરના અહેવાલ અનુસાર મરઘીઓ લઇને જતા ઓસ્માને જણાવ્યું હતું કે “અમે મરઘીઓ કટિંગમાં લઇને જતા હતા ત્યારે અનંત અંબાણીના સ્ટાફે અમને અટકાવ્યા અને 250 જેટલાં પક્ષીના બમણા રૂપિયા આપીને એમને મુક્ત કરાવ્યાં છે.”
નોંધનીય છે કે અનંત અંબાણી રોજ જ્યાં પદયાત્રા પૂરી કરે ત્યાંથી વનતારા પરત ફરે છે અને બીજા દિવસે ત્યાંથી યાત્રા શરૂ કરે છે. તેઓ ટ્રાફિકને સમસ્યા ન પડે તે માટે રાત્રે 3 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી ચાલે છે. જેમાં અંદાજિત 10-12 કિલોમીટર જેટલું અંતર કાપે છે અને અને રસ્તામાં આવતા મોટા મંદિરોની મુલાકાત પણ લેય છે.
આ યાત્રા દરમિયાન, વિશ્વનાથ વેદ સંસ્કૃત પાઠશાળા વડત્રા ખાતે ઋષિ કુમારે અનંત અંબાણીનું સંસ્કૃત શ્લોક સાથે સ્વાગત કર્યું હતું. અનંત અંબાણી યાત્રા શરૂ કરે ને પૂરી કરે એ દરમિયાન વચ્ચે કોઇ આરામ કરતા નથી, સતત ચાલ્યા જ કરે છે. અત્યારસુધી તેમણે 50 કિલોમીટરનું અંતર કાપી ચૂક્યા છે.
અનંત અંબાણી પગપાળા યાત્રા કરતી વખતે બાળકો તેમજ અન્ય લોકોને પ્રસાદી રૂપે નાસ્તો અને ચોકલેટ સહિતની વસ્તુઓ આપે છે. Z પ્લસ સિક્યુરિટી સાથેની અનંત અંબાણી પદયાત્રામાં એમની સાથે મિત્રો અને બ્રાહ્મણો પણ જોડતાં હોય છે.