Friday, April 25, 2025
More

    ‘હું અહીં કોઈની દયાથી નથી પહોંચ્યો, મેં 7 ચૂંટણીઓ જીતી છે’: રાજ્યસભામાં અમિત શાહે TMC સાંસદ સાકેત ગોખલેને લીધા આડેહાથે

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) રાજ્યસભામાં TMC સાંસદ સાકેત ગોખલે (TMC MP Saket Gokhale) પર પ્રહારો કર્યા અને તેમને યાદ અપાવ્યું કે પશ્ચિમ બંગાળમાં પેન્ડિંગ સીબીઆઈ કેસ રાજ્યમાં ખાસ સીબીઆઈ કોર્ટના અભાવને કારણે છે. ગૃહ મંત્રાલયના કામકાજ પર ચર્ચા દરમિયાન તેમની આ ટિપ્પણી આવી હતી, જ્યારે ટીએમસી સાંસદ સાકેત ગોખલેએ સીબીઆઈ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

    શાહે સ્પષ્ટતા કરી કે સીબીઆઈ તેમના મંત્રાલયના અધિકારક્ષેત્રમાં આવતી નથી અને ચર્ચાના કેન્દ્રથી ભટકવા બદલ ગોખલેની ટીકા કરી. આ અંગે ગોખલેએ શાહ પર કટાક્ષ કરતા કહ્યું કે ગૃહમંત્રી તેમનાથી ડરે છે.

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્યારબાદ ગોખલે પર કટાક્ષ કરતા ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમણે કોઈની દયાથી નહીં પણ સાત ચૂંટણી જીતીને રાજ્યસભામાં પ્રવેશ કર્યો છે. નોંધનીય છે કે સાકેત ગોખલેને મમતા બેનર્જી દ્વારા નામાંકિત કરાઈને ઉપલા ગૃહમાં મોકલવામાં આવ્યા છે.

    ગોખલેએ વ્યક્તિગત ટિપ્પણી કર્યા પછી, શાહે જવાબ આપ્યો, ભારપૂર્વક કહ્યું કે તેઓ સ્વતંત્ર રીતે આ પદ પર પહોંચ્યા છે અને તેમને કોઈનાથી ડરવાની કોઈ જરૂર નથી.