Saturday, March 1, 2025
More

    ‘રોહિંગ્યા, બાંગ્લાદેશીઓને મદદ કરતાં નેટવર્ક ખતમ કરવામાં આવે’: દિલ્હી સરકાર સાથેની બેઠકમાં ગૃહમંત્રી શાહના આદેશ

    શુક્રવારે (28 ફેબ્રુઆરી) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં દિલ્હીની સુરક્ષા વ્યવસ્થા મુદ્દે એક બેઠક યોજાઈ હતી, જેમાં નવનિયુક્ત મુખ્યમંત્રી રેખા ગુપ્તા પણ ઉપસ્થિત રહ્યાં. નોંધનીય છે કે પાટનગર હોવાના કારણે દિલ્હીની સુરક્ષા કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ હેઠળ આવે છે. 

    બેઠક પૂર્ણ થયા બાદ અમુક વિગતો સામે આવી છે. જે અનુસાર ગૃહમંત્રીએ દિલ્હી કમિશનર ઑફ પોલીસ અને કાયદા વિભાગના અધિકારીઓને નિર્દેશ આપીને જણાવ્યું છે કે બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યા ઘૂસણખોરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ તેમને મદદ કરતા સમગ્ર નેટવર્ક સામે પણ દિલ્હી પોલીસ લાલ આંખ કરે. 

    ગૃહમંત્રીએ દિલ્હી પોલીસને આ બાબતે કડક વલણ અપનાવવાના આદેશ આપ્યા અને કહ્યું કે દિલ્હીમાંથી આ પ્રકારની ગેંગને નેસ્તાનાબૂદ કરવી એ પોલીસની પ્રાથમિકતા હોવી જોઈએ. સાથે એ બાબત ઉપર પણ તેમણે ભાર મૂક્યો કે ગેરકાયદેસર ઘૂસણખોરોનો મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા સાથે પણ સંબંધિત છે, એટલે આવાઓને ચિહ્નિત કરીને, પકડીને પરત ડિપોર્ટ કરવામાં આવવા જોઈએ. 

    કેજરીવાલ સરકારમાં ચોમાસામાં ઠેરઠેર પાણી ભરાઈ જતાં હતાં અને સરકાર ગામને દોષ આપવામાં વ્યસ્ત રહેતી હતી, પરંતુ આ વખતે ગૃહમંત્રી શાહ અને મુખ્યમંત્રી ગુપ્તાએ પહેલેથી જ  મોન્સૂન પ્લાન તૈયાર કરવા માટે અધિકારીઓને આદેશ આપ્યા છે. આ સિવાય ટ્રાફિક જામ અને અન્ય અમુક સમસ્યાઓ સામે પણ કઈ રીતે કામ લેવું તે બાબતની ચર્ચા કરવામાં આવી હતી. 

    ગૃહમંત્રી શાહે બેઠકમાં દિલ્હી હિંદુવિરોધી રમખાણો મુદ્દે પણ ચર્ચા કરી અને દિલ્હી સરકારને જણાવ્યું કે તેઓ આ કેસોનો નિકાલ જલ્દી આવે તે માટે સ્પેશિયલ પ્રોસિક્યુટર્સની નિમણૂક કરે.