Tuesday, March 25, 2025
More

    ‘હું ક્યારેય બાબાસાહેબનું અપમાન ન કરી શકું, કોંગ્રેસે મારી વાતોને તોડીમરોડીને રજૂ કરી’: ગૃહમંત્રી શાહ, કહ્યું- કાયદાકીય વિકલ્પો તપાસી રહ્યા છીએ

    બુધવારે (18 ડિસેમ્બર) એક પ્રેસ કૉન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ બાબાસાહેબ આંબેડકર (Dr Babasaheb Ambedkar) પરના તેમના નિવેદનને તોડીમરોડીને રજૂ કર્યું છે અને પોલ ખુલી ગયા બાદ કોઈ રસ્તો ન રહેતાં પોતાની જૂની પદ્ધતિ ફરી અપનાવવા માંડી છે. 

    અમિત શાહે કહ્યું કે, સંસદનાં બંને ગૃહમાં બંધારણ પર ચર્ચા દરમિયાન જ્યારે એ સાબિત થઈ ગયું કે કોંગ્રેસ બંધારણવિરોધી, આંબેડકરવિરોધી, અનામતવિરોધી અને સાવરકરવિરોધી છે ત્યારે કોંગ્રેસ પોતાની જૂની પદ્ધતિ અપનાવીને, અસત્યને સત્યનાં કપડાં પહેરાવીને ભ્રાંતિ ફેલાવવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો. 

    તેમણે કહ્યું કે, પોતે ક્યાંય બાબાસાહેબનું અપમાન કર્યું નથી અને ભાજપ એવી પાર્ટી છે, જે ડૉ. આંબેડકરનું સૌથી વધુ સન્માન કરે છે અને તેમના બતાવેલા માર્ગે ચાલે છે. તેમણે સાથે પ્રેસ કૉન્ફરન્સમાં કોંગ્રેસે કઈ રીતે બાબાસાહેબનું અપમાન કર્યું હતું અને કઈ રીતે નરેન્દ્ર મોદીની સરકારે તેમને સન્માન આપ્યું તેની આંકડાકીય માહિતી પણ આપી હતી. 

    સાથે કેન્દ્રીય ગૃહમંત્રીએ ક્લિપને સંદર્ભ વગર શેર કરવાની બાબતમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટી આ મામલે સંસદની અંદર અને બહાર બંને સ્થાને કાયદાકીય વિકલ્પો વિશે વિચારી રહી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એ પણ યાદ કરાવ્યું કે ભૂતકાળમાં કોંગ્રેસ લોકસભા ચૂંટણી સમયે જ તેમની સાથે આવું કરી ચૂકી છે.