Saturday, April 26, 2025
More

    ‘2014ની ચૂંટણી પહેલાં તુષ્ટિકરણ માટે કોંગ્રેસે વક્ફ કાયદો બનાવ્યો હતો મજબૂત’: ગૃહમંત્રી અમિત શાહ, કહ્યું- એ ન થયું હોત તો આ બિલ લાવવું જ ન પડ્યું હોત

    વક્ફ સુધારા બિલને લઈને લોકસભામાં ચર્ચા ચાલી રહી છે. જેમાં ગૃહમંત્રી અમિત શાહે પણ વક્ફ બિલને લઈને ભાષણ આપ્યું છે. આ દરમિયાન તેમણે કોંગ્રેસ-UPA સરકારને આડેહાથ લીધી હતી. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના રાજમાં જે મિલીભગત ચાલતું હતું, હવે તે કોઈ ભોગે નહીં ચાલે. સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે, કોંગ્રેસે 2014ની ચૂંટણી પહેલાં મુસ્લિમ તુષ્ટિકરણ માટે 2013માં વક્ફ સુધારા કરીને કાયદાને એક્સ્ટ્રીમ ન બનાવ્યો હોત તો આજે આ તમામ પ્રક્રિયાની કોઈ જરૂર જ નહોતી.

    તેમણે કહ્યું કે, “વક્ફ સુધારા 2013 જો ન કરવામાં આવ્યા હોત તો આ બિલ લાવવાની કોઈ જરૂર જ નહોતી. બધુ જ બરાબર થઈ રહ્યું હતું. 2014માં ચૂંટણી આવવાની હતી અને 2014માં રાતોરાત તુષ્ટિકરણ કરવા માટે વક્ફ કાયદાને એક્સ્ટ્રીમ બનાવવામાં આવ્યો હતો.” આ સાથે જ વક્ફને અમાપ શક્તિ આપ્યા બાદના દુષ્પરિણામો વિશે પણ તેમણે વાત કરી હતી. તેમણે કેટલાક ઉદાહરણો આપ્યા હતા.

    તેમણે કહ્યું હતું કે, આ સુધારા બાદ તેના કારણે, ચૂંટણીના 25 દિવસ પહેલાં દિલ્હી લૂટીયનની 123 VVIP સંપત્તિઓ કોંગ્રેસ સરકારે વક્ફને આપી દીધી હતી. તેમણે વધુમાં કહ્યું કે, દિલ્હી વક્ફ બોર્ડે ઉત્તરી રેલવેની જમીન પોતાના નામે ઘોષિત કરી નાખી. હિમાચલમાં વક્ફની સંપત્તિ ગણાવીને તેના પર ગેરકાયદેસર મસ્જિદ ઊભી કરવાનું કામ કર્યુ.

    તેમણે કહ્યું કે, “તમિલનાડુમાં 250 હેક્ટર ક્ષેત્રફળના 12 ગામ પર વક્ફની માલિકી થઈ ગઈ. તે સિવાય તમિલનાડુના 1500 વર્ષ પ્રાચીન મંદિરની 400 એકર જમીને પણ વક્ફની સંપત્તિ ઘોષિત કરી દીધી. કર્ણાટકની મનીપડ્ડી કમિટીનો રિપોર્ટ હું વાંચું છું, તેમાં મારુ કશું નથી. કમિટીનો રિપોર્ટ છે કે, 29,000 એકર વક્ફની જમીન દેશના ઉપયોગ માટે ભાડા માટે આપી દીધી. 2001થી 2012 વચ્ચે 2 લાખ કરોડની વક્ફ સંપત્તિ ખાનગી સંસ્થાનોને આપી દેવામાં આવી ભાડા પર.”

    વધુમાં તેમણે કહ્યું કે, “બેંગ્લોરમાં હાઇકોર્ટે વચ્ચે પડીને 602 એકર જમીનને જપ્ત થતી અટકાવી હતી. વિજયપુરની 1500 એકર જમીન પર દાવો કર્યો અને 500 કરોડની સંપત્તિને એક ફાઇવસ્ટાર હોટેલને મહિને 12 હજારના ભાડા સાથે આપી દીધી. આ પૈસા દેશના ગરીબ મુસલમાનો છે. આ ચોરો માટે નથી.”