પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો સહ-સ્થાપક આમિર હમઝા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ હૉસ્પિટલભેગો થયો હોવાના અહેવાલો મળી રહ્યા છે.
66 વર્ષીય આતંકવાદી તેના ઘરે ગંભીર રીતે ઘાયલ થયો હતો, ત્યારબાદ તેને ISIની સુરક્ષા સાથે લાહોરની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ઘટના લશ્કરના જ એક આતંકવાદી અબુ સૈફુલ્લાહની હત્યાના ત્રણ દિવસ બાદ બની છે. સૈફુલ્લાહને અજ્ઞાત બંદૂકધારીઓ ગોળીઓ ધરબી ગયા હતા.
પાકિસ્તાનના ગુજરાંવાલાના વતની હમઝાને અમેરિકાએ ઑગસ્ટ 2012માં આતંકવાદી ઘોષિત કર્યો હતો. તે હાફિઝ સઈદનો નજીકનો માણસ માનવામાં આવે છે. સઈદે તેને લશ્કર-એ-તૈયબાના મોટી જવાબદારી સોંપી રાખી હતી.
2000નાં વર્ષોમાં હમઝા ભારતમાં સક્રિય આતંકવાદી હતો. 2005માં બેંગ્લોરમાં ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાં થયેલા હુમલા પાછળ હમઝા અને સૈફુલ્લાહનો જ હાથ હતો. જોકે પછીથી હિંસક જેહાદી પ્રવૃત્તિઓમાંથી પાછળ હટી ગયો અને પાકિસ્તાન જઈને લશ્કરનો પ્રોપગેન્ડા વિભાગ સંભાળવા માંડ્યો હતો.
તે લશ્કરનું મેગેઝિન તૈયાર કરતો તેમજ અમુક પુસ્તકો પણ લખ્યાં હતાં. હવે રહસ્યમય સંજોગોમાં ઈજાગ્રસ્ત થતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.