Wednesday, February 5, 2025
More

    અમેરિકા કરશે ગાઝા પટ્ટી પર કબજો, ‘મધ્ય પૂર્વના રિવેરા’ તરીકે ફરી વિકસાવશે: નેતન્યાહૂ સાથે મુલાકાત બાદ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન

    ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Israeli PM Benjamin Netanyahu) સાથે મુલાકાત બાદ સંયુક્ત પત્રકાર પરિષદમાં, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) જાહેરાત કરી છે કે અમેરિકા ગાઝા પટ્ટી (Gaza Strip) પર કબજો (US take over) કરશે અને તેને એક વિકસિત પ્રદેશ તરીકે ફરીથી ઊભું કરશે જ્યાં લોકો શાંતિથી રહી શકે. તેમણે કહ્યું કે અમેરિકાના કબજા પછી, ગાઝા પટ્ટી મધ્ય પૂર્વનો રિવેરા (Riviera of the Middle East) બની શકે છે.

    ટ્રમ્પે કહ્યું, “અમેરિકા ગાઝા પટ્ટી પર કબજો કરશે અને અમે તેના પર કામ કરીશું. અમે તેના પર અમારો અધિકાર સ્થાપિત કરીશું અને અમે આ વિસ્તારમાં હાજર તમામ ખતરનાક બોમ્બ અને અન્ય શસ્ત્રોનો નાશ કરવા અને નાશ પામેલી ઇમારતોને દૂર કરવા માટે જવાબદાર રહીશું. અમે આર્થિક વિકાસ કરીશું જે આ ક્ષેત્રના લોકોને અમર્યાદિત સંખ્યામાં નોકરીઓ અને રહેઠાણ પૂરું પાડશે.”

    અમેરિકન રાષ્ટ્રપતિએ ‘યહૂદી વિરોધી’ સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ અને સંયુક્ત રાષ્ટ્ર રાહત અને કાર્ય એજન્સીમાંથી (UNRWA) અમેરિકાના ખસી જવાની પણ જાહેરાત કરી, જે હમાસ (Hamas) સાથેના સંબંધોના આરોપોને કારણે ભારે ટીકાનો ભોગ બની છે.