Sunday, June 22, 2025
More

    ગેરકાયદે ઘૂસણખોરોએ ભડકે બાળ્યાં અમેરિકાના લોસ એન્જલસ અને ન્યૂ યોર્ક શહેર, મેક્સિકન ઝંડા સાથે ટોળાંઓએ આચરી હિંસા: ટ્રમ્પે કહ્યું- આ પ્રદર્શનકારીઓ નહીં, વિદ્રોહીઓ છે

    અમેરિકાના (USA) લોસ એન્જલસ (Los Angeles) શહેરમાં ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા કરવામાં આવેલી ઘૂસણખોરો સામેની કાર્યવાહીના વિરોધમાં છેલ્લા ત્રણ દિવસથી હિંસક પ્રદર્શનો (Violence) ચાલી રહ્યા છે. શુક્રવારે શરૂ થયેલા આ પ્રદર્શનો શનિવાર અને રવિવારે (8 જૂન) હિંસક બન્યા, જેમાં પ્રદર્શનકારીઓએ વાહનોમાં આગ લગાવી, પોલીસ પર પથ્થરમારો કર્યો અને મેક્સિકન ઝંડા લહેરાવ્યા. ડાઉનટાઉન લોસ એન્જલસમાં મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટર બહાર અને પેરામાઉન્ટ વિસ્તારમાં ખાસ કરીને તણાવ વધ્યો, જ્યાં પ્રદર્શનકારીઓએ 101 ફ્રીવેને અવરોધી દીધો અને સુરક્ષા દળો સાથે ઝપાઝપી કરી.

    રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્રદર્શનકારીઓને ‘વિદ્રોહીઓ’ ગણાવ્યા છે અને શનિવારે એક પ્રેસિડેન્શિયલ મેમોરેન્ડમ દ્વારા 2,000 નેશનલ ગાર્ડ સૈનિકોને લોસ એન્જલસમાં તૈનાત કર્યાં છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કહ્યું, “જો ગવર્નર ગેવિન ન્યૂસમ અને મેયર કેરન બાસ પોતાનું કામ નહીં કરે, તો ફેડરલ સરકાર હસ્તક્ષેપ કરશે અને રમખાણો અને લૂંટારાઓની સમસ્યાને હલ કરશે!”

    લોસ એન્જલસ પોલીસ ડિપાર્ટમેન્ટે રવિવારે શહેરવ્યાપી ટેક્ટિકલ એલર્ટ જાહેર કર્યું, જ્યારે પ્રદર્શનકારીઓએ ટિયર ગેસ અને ફ્લેશ-બેંગ ગ્રેનેડનો સામનો કર્યો. બીજી તરફ આ હિંસાને લઈને ટ્રમ્પે એવું પણ કહ્યું છે કે, ગેરકાયદે એલિયનો અને ગુનેગારો જ હિંસા ફેલાવી રહ્યા છે. ગેરકાયદે ઘૂસણખોરોનું ડિપોર્ટેશન શરૂ કર્યાં બાદ અચાનક આ હિંસા ફાટી નીકળી છે. તે સિવાય અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં પણ હિંસા ફાટી નીકળી હોવાના સમાચાર છે.