હોળી દહનને (Holi) લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જાણવા મળી રહ્યું છે કે, આ વખતે હોળી દહન માટે AMCની દરેક વોર્ડ અને ઝોનની ઓફિસમાં સોસાયટીઓને ઈંટ અને રેતી નિઃશુલ્ક આપવામાં આવશે. જેથી સ્થાનિક લોકો સરળતાથી હોળી પ્રગટાવી શકે અને રોડ-રસ્તાઓને નુકસાન પણ ન થાય.
આ અંગે માહિતી આપતા AMCના રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું છે કે, આગામી હોળીના તહેવારને લઈને કોર્પોરેશને આગોતરી તૈયારી કરી છે. ખાસ કરીને શહેરના માર્ગોને નુકસાન થાય છે. જે માટે AMC આ વર્ષે દરેક વોર્ડની ઓફિસથી વોર્ડના કોર્પોરેટરોની માંગણી મુજબ ઈંટ અને રેતીનો જથ્થો વિનામૂલ્યે સોસાયટીઓને પૂરો પાડશે.
AMCના આ નિર્ણયના કારણે હવે સ્થાનિક લોકો ઈંટ અને રેતીના જથ્થાનો ઉપયોગ કરીને હોળી પ્રગટાવી શકશે. જેનાથી તેમની ચિંતા પણ ઓછી થઈ જશે અને શહેરના રોડ-રસ્તાઓ પણ સારા રહેશે.