Saturday, April 19, 2025
More

    અયોધ્યા: ભારતમાં ઇઝરાયેલના રાજદૂત રુવેન અઝારે શ્રી રામ જન્મભૂમિ મંદિરની મુલાકાત લીધી

    જ્યારથી ઉત્તરપ્રદેશના અયોધ્યામાં (Ayodhya) ભગવાન શ્રી રામના જન્મસ્થળે તેમના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ છે ત્યારથી રોજ દેશ-દુનિયામાંથી કોઈને કોઈ જાણીતા લોકો તેના દર્શને આવે છે અને પ્રભુના આશીર્વાદ મેળવે છે. આ જ કડીમાં આજે ભારતમાં ઇઝરાયેલના રાજદૂત (Ambassador of Israel) અહીં પહોંચ્યા હતા.

    બુધવાર, 16 ઓક્ટોબરના રોજ વહેલી સવારે ભારતમાં ઇઝરાયેલના રાજદૂત રુવેન અઝાર (Reuven Azar) અયોધ્યા પહોચ્યા હતા. અહીં તેઓએ ભવ્ય શ્રી રામ જન્મભૂમિ મંદિરની (Shri Ram Janmabhoomi Temple) મુલાકાત લઈને હિંદુઓના આરાધ્યના દર્શન કર્યા હતા.

    દર્શન બાદ તેઓએ કહ્યું, “ભગવાન રામ માટે અયોધ્યાના આ ભવ્ય મંદિરની મુલાકાત લેવાનું મને ખરેખર સન્માન મળ્યું છે. હું દરરોજ આવતા તીર્થયાત્રીઓની સંખ્યા જોઈને પ્રેરિત થઈ ગયો હતો… હિંદુ આસ્થા માટે આ સ્થાનના મહત્વનું આ એક પ્રમાણપત્ર છે. ભારતના લોકોની જેમ ઈઝરાયેલના લોકોનો પણ પ્રાચીન ધર્મ, પરંપરા અને વારસો છે. જેમ અમને અમારા વારસા પર ગર્વ છે, તેમ તમને પણ તમારા વારસા પર ગર્વ છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ભક્તિ તમને શક્તિ અને ખાતરી આપે છે. અને તેથી, હું અહીંની મુલાકાત લેવા અને તીર્થયાત્રીઓ અને ઉપાસકોની ભક્તિ જોવા માટે ખરેખર પ્રેરિત થયો.”

    ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલ હંમેશા ભારત અને હિંદુઓ પ્રત્યે આદરભાવ રાખતું આવ્યું છે. આ પહેલા જાન્યુઆરીમાં જ ઇઝરાયેલના રાજદૂતે કહ્યું હતું કે અયોધ્યામાં રહેવું એ તેમનું સપનું છે.