Monday, July 14, 2025
More

    3 જુલાઈથી થશે અમરનાથ યાત્રાની શુભ શરૂઆત, બાબા બર્ફાનીના દર્શન માટે આજે પહેલી ટુકડી થઈ રવાના: પહલગામ અને બાલતાલના રૂટ પરથી નીકળશે અમરનાથ યાત્રા

    અમરનાથ સ્થિત ‘બાબા બર્ફાની’ના (Baba Barfani) દર્શન કરવા માટે રાહ જોઈ રહેલા ભક્તો માટે સારા સમાચાર છે. આવતીકાલથી (3 જુલાઈ) અમરનાથ યાત્રા-2025ની શુભ શરૂઆત કરી દેવામાં આવશે. જેના માટે જમ્મુથી દર્શનાર્થીઓની પહેલી ટુકડીને અમરનાથ યાત્રા (Amarnath Yatra 2025) માટે રવાના કરી દેવામાં આવી છે. જમ્મુ-કશ્મીરના ઉપરાજ્યપાલ (LG) મનોજ સિન્હાએ કડક સુરક્ષા વચ્ચે ભગવતી નગર બેઝ કેમ્પથી આ ટુકડીને લીલી ઝંડી આપી હતી.

    આજે (2 જુલાઈ) અમરનાથ યાત્રા માટેની પહેલી ટુકડી જમ્મુથી રવાના થઈ હતી. ભોલે બાબાના દર્શન માટે આતુર ભક્તોએ આ દરમિયાન હર્ષોઉલ્લાસથી ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના નારા લગાવ્યા હતા. સરકારના આદેશ અનુસાર અમરનાથ યાત્રા 3 જુલાઈથી સત્તાવાર રીતે શરૂ થશે. આ વખતે 38 દિવસ ચાલનારી આ યાત્રા માટે પહલગામ અને બાલતાલ એમ બે રૂટ નક્કી કરવામાં આવ્યા છે. યાત્રીઓની સુરક્ષાને ધ્યાને રાખી બંને વિસ્તારોને નો-ફ્લાઈ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

    3 જુલાઈથી ચાલુ થતી આ યાત્રા 9 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. સત્તાવાર આંકડાઓ મુજબ અત્યાર સુધીમાં કુલ 3.5 લાખથી વધુ ભક્તોએ યાત્રા માટે નોંધણી કરાવી છે. અમરનાથ યાત્રાની તાત્કાલિક નોંધણી માટે સરકાર દ્વારા જમ્મુમાં વૈષ્ણવી ધામ, સરસ્વતી ધામ, પંચાયત ભવન અને મહાજન સભામાં સુવિધા કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. ગતવર્ષે આ યાત્રા 52 દિવસ સુધી ચાલી હતી જેમાં  5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા.