Sunday, February 2, 2025
More

    અલ્લુ અર્જુનને 14 દિવસની જેલ, થીએટરમાં ભાગદોડ મામલે થઈ હતી ધરપકડ: તેલંગાણા હાઇકોર્ટ પહોંચ્યા અભિનેતા, સુનાવણી ચાલુ

    ફિલ્મ પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન થયેલી નાસભાગમાં એક મહિલાના મૃત્યુ બાદ નોંધાયેલી FIR મામલે અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે તેમને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા છે. બીજી તરફ, મામલો તેલંગાણા હાઇકોર્ટ પહોંચ્યો છે. 

    ઉલ્લેખનીય છે કે ગત 5 ડિસેમ્બરના રોજ હૈદરાબાદના સંધ્યા થીએટરમાં અલ્લુ અર્જુનની નવી ફિલ્મ ‘પુષ્પા-2’નું પ્રીમિયર આયોજિત કરવામાં આવ્યું હતું. અહીં અચાનક અભિનેતા પહોંચી જતાં તેમના પ્રશંસકોએ ભાગદોડ મચાવી દીધી હતી, જેમાં અમુકને ઈજા પહોંચી હતી તો એક મહિલાનું મોત થયું હતું. આ મામલે પછીથી થીએટર સંચાલકો અને અભિનેતા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. 

    ત્યારબાદ શુક્રવારે (13 ડિસેમ્બર) તેલંગાણા પોલીસે હૈદરાબાદથી અલ્લુ અર્જુનની ધરપકડ કરી લીધી હતી. ત્યાંથી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. કોર્ટે તેમની 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી મંજૂર કરી હતી. જેથી 14 દિવસ અલ્લુ અર્જુને જેલમાં રહેવું પડશે. 

    બીજી તરફ, પોતાની વિરુદ્ધ થયેલી FIR રદ કરાવવા માટે અભિનેતા તેલંગાણા હાઇકોર્ટ પહોંચ્યા છે. કોર્ટ હાલ સુનાવણી કરી રહી છે.