ફિલ્મ પુષ્પા-2ના અભિનેતા અલ્લુ અર્જુનની પોલીસે 13 ડિસેમ્બરે સવારે ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમને જામીન મળી ગયા છે. તેલંગાણા હાઇકોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા.
થોડા દિવસ પહેલાં પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન હૈદરાબાદના સંધ્યા થીએટરમાં થયેલી નાસભાગમાં ઘણા લોકો ઘાયલ થયા હતા અને 1 મહિલાનું મોત પણ થયું હતું, જે મામલે FIR બાદ અભિનેતાની ધરપકડ કરવામાં આવી હતી.
આ મામલે તેમના વકીલો તેલંગાણા હાઇકોર્ટ સમક્ષ FIR રદ કરવાની માંગ સાથે પહોંચ્યા હતા. આ અરજી પર સુનાવણી બાદ હાઇકોર્ટે અભિનેતાને વચગાળાના જામીન આપ્યા. બીજી તરફ, જે મહિલાનું મોત થયું તેના પતિએ પણ ફરિયાદ પરત ખેંચવાની તૈયારી દર્શાવી છે અને કહ્યું કે, અભિનેતા આમાં જવાબદાર નથી.
ઉલ્લેખનીય છે કે મૃતક મહિલાના પરિવારની ફરિયાદ બાદ પોલીસે 5 ડિસેમ્બરે અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ અને થીએટર મેનેજમેન્ટ સામે બેદરકારીનો કેસ નોંધ્યો હતો. ત્યારપછી સુપરસ્ટારની ધરપકડ કરવામાં આવી હતી.