Saturday, June 21, 2025
More

    મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ દાખલ FIR રદ કરવાની અલ્હાબાદ હાઇકોર્ટની ના, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ઇસ્લામી કટ્ટરપંથી ટોળાંને ઉશ્કેરવાનો મામલો

    પ્રોપગેન્ડા વેબસાઇટ ઑલ્ટ ન્યૂઝના સહસ્થાપક અને સ્વઘોષિત ફેક્ટચેકર મોહમ્મદ ઝુબૈર સામે ઉત્તર પ્રદેશ સરકારે દાખલ કરેલી FIR રદ કરવાની અલ્હાબાદ હાઇકોર્ટે ના પાડી દીધી છે. જોકે કોર્ટે ચાર્જશીટ ન દાખલ થાય ત્યાં સુધી ધરપકડ સામે ઝુબૈરને રક્ષણ આપ્યું છે. 

    મામલો યતિ નરસિંહાનંદ વિરુદ્ધ X પોસ્ટ કરીને ઇસ્લામી કટ્ટરપંથી ટોળાંને ઉશ્કેરવા સંબંધિત છે, જે મામલે ગાઝિયાબાદ પોલીસે ઝુબૈર સામે કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ ફેક્ટચેકર કોર્ટ દોડી ગયો હતો અને FIR રદ કરવાની માંગ સાથે અરજી દાખલ કરી હતી. આ અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે તેને ધરપકડ સામે વચગાળાનું રક્ષણ આપ્યું હતું. હવે ચુકાદો આવ્યો છે. 

    કોર્ટે ઝુબૈર સામે દાખલ FIR રદ કરવાની ના પાડીને કહ્યું કે, મામલાની તપાસ જરૂરી છે. સાથે આરોપીને તપાસમાં સહયોગ આપવા પણ કહ્યું છે. જોકે ચાર્જશીટ દાખલ થાય ત્યાં સુધી તેની ધરપકડ થઈ શકશે નહીં. 

    મામલાને ટૂંકમાં જોવામાં આવે તો, સપ્ટેમ્બરમાં ઝુબૈરે ગાઝિયાબાદના ડાસના દેવી મંદિરના મહંત યતિ નરસિંહાનંદ વિરુદ્ધ અમુક પોસ્ટ કરી હતી અને તેમના અમુક જૂના વિડીયો પોસ્ટ કરીને તેમની વિરુદ્ધ ટિપ્પણીઓ કરી હતી. ત્યારબાદ ઇસ્લામી કટ્ટરપંથી ટોળાંએ મંદિર પર હુમલો કરી દીધો હતો. 

    આ મામલે ભાજપ નેતા અને મંદિર સાથે જોડાયેલાં ઉદિતા ત્યાગીએ ઝુબૈર સામે એક ફરિયાદ દાખલ કરી, જેના આધારે પોલીસે ઝુબૈર સામે વૈમનસ્ય ફેલાવવાના આરોપસર BNS અને IT એક્ટની સુસંગત કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો. કેસની તપાસ હાલ ચાલી રહી છે.