અલ્હાબાદ હાઇકોર્ટે (Allahabad High Court) 2 જૂનના રોજ પતંજલિ આયુર્વેદ લિમિટેડની (Patanjali Ayurved Ltd.) ₹273.5 કરોડના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) દંડ સામેની અરજી ફગાવી દીધી છે. પતંજલિએ આ દંડનો વિરોધ કરતી અરજી અલ્હાબાદ હાઇકોર્ટમાં કરી હતી. તેમનું કહેવું હતું કે આ દંડ યોગ્ય નથી અને તેમની સામે આવો કેસ ચલાવવો ન જોઈએ.
આ મામલે જસ્ટિસ શેખર બી. સરાફ અને જસ્ટિસ વિપિન ચંદ્ર દીક્ષિતની ડિવિઝન બેન્ચે સુનાવણી કરી હતી. અલ્હાબાદ હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે GSTના નિયમો હેઠળ આવા દંડની કાર્યવાહી સિવિલ (નાગરિક) પ્રકૃતિની હોય છે. આનો અર્થ એ થાય કે આવા કેસમાં ફોજદારી (ક્રિમિનલ) કાર્યવાહીની જરૂર નથી અને GSTના અધિકારીઓ પોતે આવા મામલાને ઉકેલી શકે છે. કોર્ટે કહ્યું કે GST એક્ટની કલમ 122 હેઠળ અધિકારીઓને દંડ લગાવવાનો પૂરો અધિકાર છે.
પતંજલિ પર આરોપ હતો કે તેઓએ કાગળ પર નકલી ટેક્સ ઇનવોઇસ (બિલ) બનાવીને GSTના નિયમોનું ઉલ્લંઘન કર્યું. આનો અર્થ એવો થાય કે તેઓએ એવું દેખાડ્યું કે માલની ખરીદી-વેચાણ થઈ, પરંતુ વાસ્તવમાં કોઈ માલની આપ-લે થઈ જ નહોતી.
DGGIએ 19 એપ્રિલ, 2024ના રોજ એક કારણ બતાવો નોટિસ જારી કરી હતી, જેમાં સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ 2017ની કલમ 122(1), ખંડ (ii) અને (vii) હેઠળ 273.51 કરોડનો દંડ લાદવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.