Thursday, March 20, 2025
More

    2100 કોન્સ્ટેબલ, 187 PSI, 61 PI, 16 DySP, 5 SP, 1 IG અને 1 ADGP: વિશ્વ મહિલા દિવસ પર તમામ મહિલા અધિકારીઓ સંભાળશે પીએમ મોદીના નવસારીના કાર્યક્રમની સુરક્ષા

    ફરી એકવાર પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસે આવ્યા છે ત્યારે શનિવારે વિશ્વ મહિલા દિવસ (International Women’s Day) નિમિત્તે નવસારીમાં (PM Modi in Navsari) તેઓનો એક ખાસ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. સૌથી વિશેષ વાત એ છે કે આ કાર્યક્રમની સુરક્ષાની જવાબદારી માત્ર અને માત્ર પોલીસમાં રહેલ મહિલા અધિકારીઓને આપવામાં આવી છે. દેશમાં આ પ્રકારનો આ લગભગ પ્રથમ કાર્યક્રમ હશે.

    પ્રાપ્ત જાણકારી અનુસાર, પીએમના કાર્યક્રમમાં 2100 કોન્સ્ટેબલ, 187 સબ-ઇન્સ્પેક્ટર, 61 પોલીસ ઇન્સ્પેક્ટર, 16 DySP, 5 SP, 1 IG અને એક ADGP સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. આ તમામ અધિકારીઓ મહિલા હશે. વરિષ્ઠ IPS અધિકારી અને ગૃહ સચિવ નિપુણા તોરવણે સમગ્ર કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થાનું સુપરવિઝન કરશે. 

    ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ આ જાણકારી આપતાં કહ્યું હતું કે, આ પહેલથી એક સંદેશ જશે કે કઈ રીતે ગુજરાત મહિલાઓ માટે સુરક્ષિત છે અને આ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહિલાઓનો પણ ફાળો મોટો છે. 

    શું છે PM મોદીના કાર્યક્રમો?

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 અને 8 માર્ચ એમ બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવ્યા છે. શુક્રવારે (7 માર્ચ) પહેલાં તેઓ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં અમુક કાર્યક્રમોમાં ભાગ લેશે. ત્યારબાદ સાંજે પાંચ વાગ્યે સુરત પહોંચશે. અહીં એક રોડ શો બાદ લિંબાયતમાં જાહેરસભા સંબોધિત કરશે. 

    બીજા દિવસે 8 માર્ચે પીએમ મોદી નવસારી (Navsari) જવા રવાના થશે, જ્યાં મહિલા દિવસના (Women’s Day) ઉપલક્ષમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદી અહીં લખપતિ દીદીઓ સાથે સંવાદ કરશે. જેમાં હજારો મહિલાઓ સામેલ થશે તેવું અનુમાન છે. 

    આ કાર્યક્રમની બીજી એક વિશેષતા એ છે કે તેની સુરક્ષાનું સમગ્ર સંચાલન મહિલા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા થવા જઈ રહ્યું છે. વડાપ્રધાનના કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થાનું સંપૂર્ણ નિયંત્રણ મહિલા અધિકારીઓના હાથમાં હોય તેવી આ પ્રથમ ઘટના હશે.