Thursday, February 6, 2025
More

    સંસદની ટેવ વિપક્ષી સાંસદો વક્ફ પરની JPC બેઠકમાં પણ ન ભૂલ્યા, હોબાળો મચાવવા બદલ 10 સાંસદો સસ્પેન્ડ

    વક્ફ સંશોધન બિલની સંસદીય સમિતિની (JPC) બેઠક દરમિયાન ભયંકર હોબાળો કરવા બદલ આખેઆખા વિપક્ષને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. વિપક્ષના તમામ 10 સાંસદોને સસ્પેન્ડ કરીને કાર્યવાહી એક દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. JPC અધ્યક્ષે આરોપ લગાવ્યો છે કે તેમની સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે, તો બીજી તરફ વિપક્ષે દાવો કર્યો છે કે ભાજપ વક્ફ સંશોધન બિલ પર રિપોર્ટને ઝડપી સ્વીકારી લેવા માટે દબાણ કરી રહ્યો છે.

    ઉલ્લેખનીય છે કે બેઠકના શરૂઆતમાં વિપક્ષે હોબાળો કરતા બેઠક થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી, ત્યારબાદ પણ આ હોબાળો યથાવત રહેતાં વિપક્ષના 10 સાંસદોને સસ્પેન્ડ કરીને કાર્યવાહી એક દિવસ માટે રોકી દેવામાં આવી છે. કોંગ્રેસ, TMC સહિતના નેતાઓએ માંગ કરી છે કે ખંડવાર વિચાર કરવા અંતે નક્કી કરવામાં આવેલી 27 જાન્યુઆરીની બેઠક રદ કરીને 30 કે 31 જાન્યુઆરીએ કરવામાં આવે.

    બીજી તરફ આ મામલે ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું હતું કે, વિપક્ષનું આ પ્રકારનું આચરણ તદ્દન સંસદીય પરંપરાથી વિપરીત છે. તેઓ બહુમતીનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું પણ દુબેએ જણાવ્યું. બીજી તરફ JPC અધ્યક્ષ જગદંબિકા પાલે વિપક્ષ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે વિપક્ષે તેમની સાથે અભદ્ર શબ્દોમાં વાત કરી.

    ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા પાલે જણાવ્યું હતું કે, “અમારે 2 વાર સંસદને સ્થગિત કરવાની નોબત આવી. આજે અમે જમ્મુ-કાશ્મીરથી આવેલા મીરવાઇજ ઉમરફારુકના પ્રતિનિધિમંડળને સમય આપ્યો અને આ માંગ પણ વિપક્ષની જ હતી. પહેલી વાર અમે જોયું કે ઓવૈસી કે જેઓ સામાન્યરીતે સંસદમાં બિલોમાં ભાગ નથી લેતા, તેઓ પણ બિલમાં સામેલ થયા. જે રીતે કલ્યાણ બેનર્જીએ અસંસદીય અને અભદ્ર શબ્દો વાપરીને મને ગાળો ભાંડી, મને લાગે છે કે આ જાણીજોઇને કરવામાં આવેલું કૃત્ય છે.”