Thursday, January 30, 2025
More

    પહેલા નિયમ વિરુદ્ધ આંબેડકરની પ્રતિમા સ્થાપી, બાદમાં પોલીસ પર કરી દીધો પથ્થરમારો: અલીગઢમાં 2 અધિકારી ઘાયલ, 2ની ધરપકડ

    અલીગઢના (Aligarh) રોરાવર પોલીસ સ્ટેશન વિસ્તારના ભીમપુર ગામમાં ગ્રામ સમાજની જમીન પર મંદિર સ્થાપવા અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા (Dr. B R Ambedkar Statue) સ્થાપિત કરવાને લઈને મામલો તંગ બન્યો હતો. દરમિયાન પોલીસે દખલગીરી કરતા પોલીસ પર દલિત સમુદાયના લોકોએ પથ્થરમારો કરી દીધો હતો.

    ત્યારે આ મામલે અલીગઢ પોલીસનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. જેમાં પોલીસે જણાવ્યું હતું કે ભીમપુર ગામના લોકોએ ગ્રામ પરિષદની જમીન પર રાતોરાત આંબેડકરજીની પ્રતિમા સ્થાપિત કરી દીધી. જ્યારે પ્રતિમાનું કામ અધૂરું હતું ત્યારે પોલીસ દ્વારા રોકવામાં આવ્યું હતું.  

    જોકે બે-ત્રણ દિવસ પછી તે લોકોએ રાત્રે જ એક પ્રતિમા સ્થાપિત કરી, ત્યારથી વહીવટીતંત્ર અને પોલીસ સતત સંપર્કમાં હતા. ત્યારથી ફોર્સ સ્થળ પર હાજર હતી. 28 જાન્યુઆરીના રોજ, તેમના પ્રતિનિધિમાંથી એક ડીએમ અને એસએસપી સાથે વાતચીત કરવા ગયો હતો. નિયમો અનુસાર કોઈપણ ગ્રામ સમાજની જમીન પર કોઈ બાંધકામ કરી શકાતું નથી, અને પ્રતિમા પણ સ્થાપિત કરી શકાતી નથી.

    જ્યારે બીજો બઘેલ પક્ષ ત્યાં મંદિર સ્થાપવા માંગતો હતો જે અંગે પોલીસે કહ્યું હતું કે મંદિરની દિવાલ તાત્કાલિક બાંધવા દેવામાં આવશે નહીં અને પ્રતિમા સ્થાપિત કરવાની પણ મંજૂરી આપવામાં આવશે નહીં. ડીએમ અને એસએસપી સાથેની વાતચીત બાદ બંને પક્ષો સંમત થયા.

    બે દિવસથી ચાલી રહેલ મામલા અંગે 28 જાન્યુઆરીની સાંજે જ્યારે પોલીસે પ્રતિમા હટાવવા ગઈ ત્યારે ત્યાં હાજર મહિલાઓ અને અન્ય લોકોએ પોલીસ પર પથ્થરમારો કરી દીધો અને ત્રણથી ચાર ટૂ વ્હીલરને આગ ચાંપી દીધી.

    પોલીસે જણાવ્યા અનુસાર આ ઘટનામાં બે પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, તેમને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. પ્રતિમા હટાવી લેવામાં આવી છે, સ્થળ પર પૂરતી ફોર્સ હાજર છે, પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. હાલ ગામના વર્તમાન અને પૂર્વ પ્રધાનને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.