શનિવારે (22 ફેબ્રુઆરી, 2025) ફ્રાન્સના મુલહાઉસ શહેરમાં એક પ્રદર્શન દરમિયાન ‘અલ્લાહુ અકબર’ના નારા સાથે એક વ્યક્તિએ ઘણા લોકોને છરો મારી દીધો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં બે પોલીસ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જ્યારે અન્ય ત્રણને સામાન્ય ઈજાઓ થઈ હતી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોએ આ ઘટનાને ‘ઇસ્લામી આતંકવાદી હુમલો’ ગણાવ્યો છે.
પોલીસે 37 વર્ષીય હુમલાખોરની ધરપકડ કરી છે. તે અલ્જીરિયાનો છે. હુમલાખોર પહેલાંથી જ ફ્રાન્સની આતંકવાદી વોચ લિસ્ટમાં (FSPRT) હતો. તે ન્યાયિક દેખરેખ અને નજરકેદ હેઠળ હતો. 2015માં ચાર્લી એબ્દો ઓફિસ અને એક યહૂદી સુપરમાર્કેટ પર થયેલા આતંકવાદી હુમલા પછી દેખરેખ રાખવા માટે શંકાસ્પદ ઇસ્લામિક આતંકવાદીઓની આ યાદી બનાવવામાં આવી હતી.
આ હુમલા બાદ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોએ કહ્યું કે, “અમારી સરકાર ફ્રાન્સની ધરતી પરથી આતંકવાદને નાબૂદ કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરવા માટે કટિબદ્ધ છે.” તેમણે હુમલામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મેક્રોએ કહ્યું કે, આખું ફ્રાન્સ હુમલાના પીડિતો અને તેમના પરિવારોની સાથે ઉભું છે.