Saturday, July 12, 2025
More

    વેસ્ટ આફ્રિકાના માલીમાં અલ-કાયદાનો આતંકી હુમલો, ત્રણ ભારતીય નાગરિકોનું કર્યું અપહરણ: ભારત સરકારે શરૂ કરી બચાવ કામગીરી

    હાલમાં જ વેસ્ટ આફ્રિકા (West Africa) જૂથના એક દેશ માલીમાં (Mali) અનેક જગ્યાએ આતંકવાદી હુમલાઓ (Terrorist Attacks) થયા હતા. આ હુમલાઓની જવાબદારી આતંકવાદી સંગઠન અલ-કાયદાના (Al Qaeda) જ એક ગ્રુપ જમાત નુસરત અલ-ઇસ્લામવાલ-મુસ્લિમીનએ (JNIM) લીધી હતી. આતંકી સંગઠન દ્વારા વેસ્ટ માલીના કેયસમાં આવેલી એક ડાયમંડ સિમેન્ટ ફેક્ટરી પર આતંકી હુમલો કરાયો હતો. જેમાં ફેકટરીમાં કામ કરતા ત્રણ ભારતીય નાગરિકોનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. 

    પ્રતિબંધિત સંગઠન JNIMના આતંકવાદીઓએ વેસ્ટ અને સેન્ટર માલીમાં આવેલા સૈન્ય અને સરકારી મથકો સહિત અનેક જગ્યાઓ ઉપર પર ઘાતકી હુમલો કર્યો હતો. જેમાં આતંકીઓએ કેયસ સ્થિત એક સિમેન્ટ ફેક્ટરીમાં પણ હુમલો કર્યો હતો. આ હુમલામાં આતંકીઓએ ભારતીય મૂળના ત્રણ નાગરિકોને બળજબરી પૂર્વક બંધક બનાવ્યા હતા અને તેમનું અપહરણ કરી લીધું હતું.

    હવે આ મામલે ભારતના વિદેશ મંત્રાલયે (MEA) પ્રતિક્રિયા આપી છે. સરકારે આ ઘટનાને ‘હિંસક અને દુઃખદ કૃત્ય’ ગણાવી વખોડી હતી. સરકારે કહ્યું કે, “ભારત સરકાર, માલી સરકારને અપહરણ કરાયેલા તમામ ભારતીય નાગરિકોની સુરક્ષા અને ઝડપી મુક્તિ માટે જરૂરી કાયર્વાહી કરવા અપીલ કરે છે”

    હાલ ભારત સરકારે બચાવ કામગીરી શરૂ કરી છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, તેઓ માલીના સ્થાનિક અધિકારીઓ, એજન્સીઓ અને પીડિત પરીવારોના સતત સંપર્કમાં છે. સરકારે એક નિવેદન બહાર પાડી, માલીમાં રહેતા તમામ ભારતીય નાગરીકોને સાવધાન અને સતર્ક રહેવાની અપીલ કરી હતી.