રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમને (Ramjilal Suman) રાણા સાંગાનું અપમાન કર્યું હતું જેના પર ભાજપ અને રાજપૂત સમુદાયના લોકો ભડકી ઉઠ્યા છે. કરણી સેનાએ (Karni Sena) તો સાંસદના ઘરને પણ ઘેરી લીધું હતું. ઘટના બાદ સપા સુપ્રીમો અખિલેશ યાદવે (Akhilesh Yadav) પણ આ નિવેદનનું સમર્થન કર્યું હતું, જોકે ભારે વિરોધના પગલે તેમના સૂર બદલાતા દેખાઈ રહ્યા છે.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા માધ્યમ X પર લખ્યું હતું કે, “સમાજવાદી પાર્ટી સામાજિક ન્યાય અને સમતાવાદી સમાજની સ્થાપનામાં માને છે. અમે નબળા વ્યક્તિને પણ માન અપાવવા માંગીએ છીએ. અમારો ઉદ્દેશ્ય કોઈ ઐતિહાસિક વ્યક્તિનું અપમાન કરવાનો ન હોય શકે.”
समाजवादी पार्टी सामाजिक न्याय और समतामूलक समाज की स्थापना में विश्वास करती है। हम कमज़ोर से कमज़ोर हर एक व्यक्ति को भी सम्मान दिलाना चाहते है। हमारा उद्देश्य किसी इतिहास पुरुष का अपमान करना नहीं हो सकता। समाजवादी पार्टी मेवाड़ के राजा राणा सांगा की वीरता और राष्ट्रभक्ति पर कोई…
— Akhilesh Yadav (@yadavakhilesh) March 26, 2025
તેમણે આગળ લખ્યું હતું કે, “સમાજવાદી પાર્ટી મેવાડના રાજા રાણા સાંગાની બહાદુરી અને દેશભક્તિ પર કોઈ પ્રશ્ન ઉઠાવી રહી નથી. ભાજપે હંમેશા રાજકીય લાભ મેળવવા અને દેશને ધાર્મિક-જાતિના આધારે વિભાજીત કરવા માટે ઇતિહાસના અમુક મુદ્દાઓનો ઉપયોગ કર્યો છે. અમારા સાંસદે ફક્ત એકતરફી ઇતિહાસ અને એકતરફી અર્થઘટનનું ઉદાહરણ આપવાનો પ્રયાસ કર્યો છે.”
તેમણે આગળ સ્પષ્ટતા કરતા કહ્યું કે, “અમારા કોઈપણ પ્રયાસ રાજપૂત સમુદાય કે અન્ય કોઈ સમુદાયનું અપમાન કરવાનો નથી. આજના સમયમાં ગઈકાલની ઘટનાઓ એટલે કે ‘ઇતિહાસ’ની ઘટનાઓની વ્યાખ્યા નથી કરી શકાતી.”
ઉલ્લેખનીય છે કે આ પહેલાં અખિલેશ યાદવે પાર્ટી સાંસદના નિવેદનનું સમર્થન કરતાં એમ કહ્યું હતું કે, “ઇતિહાસનાં પાનાં બધા જ પલટી રહ્યા છે. ભાજપ કઈ બાબતની ચર્ચા કરી રહ્યો છે? તેઓ કઈ ચર્ચા શરૂ કરવા માંગે છે? ઔરંગઝેબની ચર્ચા કરવા માંગે છે. એટલે રામજી લાલ સુમનજીએ પણ કોઈ ઇતિહાસનું પાનું પલટાવી દીધું હોય, જે પાનાંમાં આવું કંઈ લખ્યું હશે. 100-200 વર્ષ પહેલાં ઇતિહાસ આપણે તો લખ્યો નથી. ઇતિહાસ કોણે લખ્યો છે? સમાજવાદી પાર્ટીની એ વિનંતી છે કે ઇતિહાસનાં પાનાં પલટવામાં ન આવે.”