Tuesday, June 24, 2025
More

    લખનૌમાં શરૂ થયું બ્રહ્મોસ મિસાઇલનું ઉત્પાદન: થોડા દિવસ પહેલા જ અખિલેશ યાદવે કહ્યું હતું- ભાજપ સરકાર સૂતળી બોમ્બ પણ બનાવી શકતી નથી

    ભાજપ સરકારે જ્યારે એ વાયદો કર્યો કે તેઓ લખનૌમાં મિસાઈલ બનાવવાની ફેક્ટરી સ્થાપશે, ત્યારે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે (Akhilesh Yadav) તેમના પર કટાક્ષ કાર્યો હતો કે તેઓ એક સૂતળી બોમ્બ પણ નહીં બનાવી શકે. જે બાદ રવિવારે (11 મે 2025) દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે લખનૌમાં (Lucknow) ઉત્તર પ્રદેશ સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોર ખાતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ ઉત્પાદન એકમ (BrahMos supersonic cruise missile production unit) અને પરીક્ષણ સુવિધાનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. UPના CM યોગી આદિત્યનાથ પોતે આ એકમ પર હાજર રહ્યા હતા.

    ₹300 કરોડના ખર્ચે બનેલ નવી લોન્ચ થયેલી આ એરોસ્પેસ ઇન્ટિગ્રેશન અને ટેસ્ટિંગ ફેસિલિટી, 290થી 400 કિમીની રેન્જ અને મેક 2.8ની ટોપ સ્પીડ ધરાવતી બ્રહ્મોસ મિસાઇલોનું ઉત્પાદન કરશે. આ સુવિધા વાર્ષિક 80થી 100 મિસાઇલો બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ ઉપરાંત, 300 કિલોમીટરથી વધુ રેન્જ ધરાવતી 100થી 150 અદ્યતન પેઢીની બ્રહ્મોસ મિસાઇલોનું પણ એક વર્ષમાં ઉત્પાદન કરવામાં આવશે. ભારત અને રશિયાના સંયુક્ત સાહસમાં ભારતના DRDO અને રશિયાના NPO માશિનોસ્ટ્રોયેનિયા દ્વારા વિકસાવવામાં આવનારી આ મિસાઇલો જમીન, સમુદ્ર અથવા હવામાંથી લોન્ચ કરવામાં સક્ષમ છે.

    2018 ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ દરમિયાન પીએમ મોદી દ્વારા શરૂ કરાયેલા ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પહેલના ભાગ રૂપે બ્રહ્મોસ ઉત્પાદન એકમની જાહેરાત કરવામાં આવી હતી. ડિફેન્સ કોરિડોરમાં છ નોડ્સ છે – લખનૌ, કાનપુર, અલીગઢ, આગ્રા, ઝાંસી અને ચિત્રકૂટ. તેનો શિલાન્યાસ 2021માં કરવામાં આવ્યો હતો. સંરક્ષણ મંત્રીએ ડિફેન્સ ટેસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ (DTIS) નો શિલાન્યાસ પણ કર્યો, જે વિવિધ પ્રકારના સંરક્ષણ ઉત્પાદનોના પરીક્ષણ અને પ્રમાણિત કરવા માટે સમર્પિત સુવિધા છે.

    અખિલેશ યાદવે શું કહ્યું હતું?

    યાદવે ગત મંગળવારે (6 મે 2025) એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાજપ સરકાર પર પ્રહારો કર્યા કરતા દાવો કર્યો હતો કે ભાજપે ઝાંસી અને બુંદેલખંડ ક્ષેત્રમાં ફાઇટર પાઇલટ, રાઇફલ, શસ્ત્રો અને દારૂગોળો બનાવવાનું વચન આપ્યું હતું, પરંતુ તેઓએ ત્યાં “સૂતળી બોમ્બ” પણ બનાવ્યો નથી અને કેન્દ્ર હજુ પણ વિવિધ દેશોમાંથી સંરક્ષણ સાધનો આયાત કરી રહ્યું છે.