Tuesday, March 25, 2025
More

    પૂર્વ ક્રિકેટર અજયસિંહ જાડેજા હશે જામનગરના આગામી રાજવી, જામસાહેબે કર્યું ઉત્તરાધિકારીનું એલાન

    જામનગરના મહારાજા જામસાહેબ (Jamsaheb) શત્રુશલ્યસિંહ જાડેજાએ પોતાના ઉત્તરાધિકારી તરીકે પૂર્વ ક્રિકેટર અજયસિંહ જાડેજાનું (Ajay Jadeja) નામ જાહેર કર્યું છે. દશેરાની પૂર્વસંધ્યાએ આ ઘોષણા કરવામાં આવી. 

    જામનગર રાજપરિવાર તરફથી જામસાહેબના હસ્તાક્ષર સાથે બહાર પાડવામાં આવેલ અધિકારિક પત્રમાં જામસાહેબ જણાવે છે કે, દશેરાનો દિવસ એ દિવસ છે, જ્યારે પાંડવોએ 14 વર્ષનો અજ્ઞાતવાસ સફળતાપૂર્વક પૂર્ણ કરીને વિજય મેળવ્યો હતો. આજે હું પણ અજય જાડેજાને મારો ઉત્તરાધિકારી અને નવાનગરનો (જામનગર) આગામી જામસાહેબ ઘોષિત કરતાં વિજયી હોવાનો અનુભવ કરી રહ્યો છું. 

    સાભાર- જામનગર પેલેસ

    જામસાહેબે જણાવ્યું કે, મને વિશ્વાસ છે કે આ નિર્ણય જામનગરના લોકો માટે સાચા અર્થમાં આશીર્વાદ બની રહેશે. અજયનો આભાર વ્યક્ત કરું છું.

    ઉલ્લેખનીય છે કે ‘જામસાહેબ’ એ અગાઉના નવાનગર સ્ટેટના રાજાને મળતી ઉપાધિ છે. હાલ શત્રુશલ્યસિંહ જાડેજા નવાનગરના રાજવી છે. 85 વર્ષીય જામસાહેબનો રાજ્યાભિષેક 1966માં થયો હતો. તેમના પિતા જામ દિગ્વિજયસિંહજીએ સ્વતંત્રતા બાદ રાજ્યનું વિલીનીકરણ કર્યું હતું. 

    રાજવી પરિવારનો વંશવેલો જોઈએ તો જામનગરના પૂર્વ મહારાજા રણજીતસિંહ અપરણિત હતા. તેમણે સગાભાઈ જુવાનસિંહના પુત્ર દિગ્વિજયસિંહને દત્તક લીધા હતા. જુવાનસિંહના ચાર પુત્રો હતા. પ્રતાપસિંહ, દિગ્વિજયસિંહ (જે પછીથી મહારાજા બન્યા), હિંમતસિંહ અને દિલીપસિંહ. 

    પ્રતાપસિંહના પુત્ર દોલતસિંહ એ અજય જાડેજાના પિતા થાય. આમ મહારાજા દિગ્વિજયસિંહ અને અજય જાડેજાના દાદા પ્રતાપસિંહ બંને સગા ભાઈઓ હતા. હાલના જામસાહેબ શત્રુશલ્યસિંહ જાડેજા સંબંધમાં અજય જાડેજાના પિતરાઈ કાકા થાય છે.