Thursday, March 20, 2025
More

    મહાકુંભમાં જવા માટે ફ્લાઇટ ટિકિટ થઈ સસ્તી: ઇન્ડિગોએ ઘટાડ્યો 50% દર, સરકારે કરી હતી કંપનીઓ સાથે બેઠક

    પ્રયાગરાજ (Prayagraj) મહાકુંભમાં દેશ-વિદેશમાંથી કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. ત્યારે મુંબઈ-દિલ્હી જેવા મોટા શહેરોથી પ્રયાગરાજની ફ્લાઇટની ટિકિટનો (Flights Ticket) મામલો ઘણો ચર્ચામાં છે. ફ્લાઇટ ટિકિટના દરમાં મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો. ત્યારે આ મામલે નાગરિક ઉડ્ડયન મંત્રી કે.રામ મોહન નાયડુએ એક મોટી જાહેરાત કરી છે.

    NDTVના અહેવાલ અનુસાર, મહાકુંભ મેળામાં જતાં યાત્રિકો માટે હવાઈ ભાડામાં 50%નો ઘટાડો કરવામાં આવ્યો છે. નવા ભાડા દર 1 ફેબ્રુઆરીથી અમલમાં આવી ગયા છે. જોકે, સરકારે પહેલાં જ એરલાઇન્સ કંપનીઓ સાથે બેઠક કરીને ટિકિટ દર અંગે વાતચીત કરી છે.

    આ મામલે 3 બેઠકો યોજાઈ હતી. સરકારે કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે, પૂર્ણમહાકુંભ 144 વર્ષમાં એક વાર આવે છે, તેથી તેના મહત્વને ધ્યાનમાં રાખવામાં આવે. સરકારે ખાતરી કરી છે કે, ભાડા ઘટાડાને કારણે એરલાઇન્સને નાણાકીય નુકસાન ન થાય.

    એરલાઇન ઇન્ડિગોએ મહાકુંભ માટે તેની ફ્લાઇટ્સમાં 30 થી 50%નો ઘટાડો કરી દીધો છે. ઇન્ડિગોની વેબસાઇટ અનુસાર, 31 જાન્યુઆરી માટે ટિકિટનો ભાવ ₹21,200થી વધુ હતો અને 12 ફેબ્રુઆરી માટે સૌથી ઓછો ભાવ ₹9,000 છે.