Tuesday, July 15, 2025
More

    અમદાવાદમાં એર ઇન્ડિયાનું યાત્રી વિમાન ક્રેશ, ધુમાડાના ગોટેગોટા ઉડતા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ: મેઘાણીનગર IGP ગ્રાઉન્ડ નજીકની ઘટના હોવાના અહેવાલ

    અમદાવાદથી (Ahmedabad) મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ (Air India Plane Crash) થઈ ગયું છે. ભાસ્કર અનુસાર, પ્લેનનું નામ 171- એર ઇન્ડિયા બોઈંગ પ્લેન હતું. વધુમાં એવું પણ કહેવાયું છે કે, મેઘાણીનગરના ઘોડાસર કેમ્પ વિસ્તારમાં આવેલા ગુજસેલ એરપોર્ટ નજીક આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. વધુમાં ઘટનાના પગલે સંબંધિત વિસ્તારના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આસપાસના વિસ્તારોમાં ભારે ભાગદોડ મચી હોવાનું કહેવાય રહ્યું છે. વધુમાં એ માહિતી પણ સામે આવી છે કે, ક્રેશ થયેલું પ્લેન યાત્રી વિમાન હતું. ઇન્ડિયા ટુડે અનુસાર, પ્લેનમાં કુલ 242 યાત્રિકો યાત્રા કરી રહ્યા હતા.

    વધુમાં એવું પણ કહેવાય રહ્યું છે કે, પ્લેન ટેક ઑફ કરવાના સમયે આ દુર્ઘટના ઘટી હતી. હાલ આ વિશે વધુ માહિતી સામે આવી શકી નથી. પરંતુ સોશિયલ મીડિયા પર ઘટનાના વિડીયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે. જેમાં ધુમાડાના ગોટેગોટા જોઈ શકાય છે. હાલ ફાયર વિભાગની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે છે અને યોગ્ય કાર્યવાહી કરી રહ્યા છે.