Thursday, July 10, 2025
More

    ‘…મારી બેગમાં બોમ્બ છે!!!’- યાત્રી ‘અકીલે’ સિક્યોરી સાથે કરી માથાકૂટ અને આખું વડોદરા એરપોર્ટ હાઇ અલર્ટ પર: રોકવી પડી એર ઇન્ડિયાની ફ્લાઇટ

    અમદાવાદ પ્લેન દુર્ઘટના (Ahmedabad plane crash બાદ એર ઇન્ડિયાને જાણે ગ્રહણ લાગ્યું છે. વડોદરા એરપોર્ટ (Vadodara airport) પર એક મુસાફરના બેગમાં બોમ્બ હોવાની વાત ફેલાતા દિલ્હી જતી એર ઇન્ડિયાની એક ફ્લાઈટને રોકવાની ફરજ પડી હતી. જે પછી ઘટનાસ્થળ પર ઉચ્ચ અધિકારીઓ દોડી આવતા તપાસ શરૂ થઇ હતી.

    મળતી માહિતી અનુસાર વડોદરા એરપોર્ટ પર CISF દ્વારા મુસાફરોના સિક્યોરીટી ચેકિંગ દરમિયાન અકીલ શાહ નામના વ્યક્તિનું બેગ ચેક કરતા, અકીલે, ‘તો શું મારી બેગમાં બોમ્બ છે!’ જેવો બફાટ કરી CISF જવાન સાથે માથાકૂટ કરી હતી. જેથી CISF જવાને આ વાતની જાણ પોલીસ કંટ્રોલરૂમમાં કરતા એરપોર્ટના ઉચ્ચ અધિકારીઓ બોમ્બ સ્કવોડ સહિત એરપોર્ટ પર પહોચી ગયા હતા અને અકીલ શાહની તપાસ આદરી હતી.

    આ દરમિયાન એર ઇન્ડિયાની ફ્લાઈટને અમુક સમય સુધી સ્થગિત કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અકીલ શાહ માનસિક રીતે બીમાર હોવાનું સામે આવ્યું હતું. જે પછી સુરક્ષા અધિકારીઓને અકીલ પાસેથી કોઈ વાંધાજનક વસ્તુ ન મળતા આખરે ફ્લાઈટને દિલ્હી માટે રવાના કરવામાં આવી હતી. બોમ્બ હોવાની અફવા ફેલાતા વડોદરા એરપોર્ટ પર મુસાફરો ચિંતામાં મૂકાઈ ગયા હતા, અને ફ્લાઈટ મોડી પડતા મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી.

    ઉલ્લેખીય છે કે અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ સુરક્ષા વધારી દીધી છે. હાલમાં જ જવાબદારીમાં બેદરકારી બદલ DGCAએ એર ઇન્ડિયાના ત્રણ વરિષ્ઠ અધિકારીઓને હટાવવાનો આદેશ આપ્યો હતો.