Thursday, April 3, 2025
More

    જામનગરમાં ભારતીય વાયુસેનાનું જેગુઆર ફાઇટર જેટ થયું ક્રેશ: એક પાઇલટનું મોત, બીજાની હાલત ગંભીર

    ગુજરાતના જામનગરમાં (Jamnagar) 2 એપ્રિલની રાત્રે ભારતીય વાયુસેનાનું એક જેગુઆર ફાઇટર જેટ ક્રેશ (Jaguar Fighter Jet Crash) થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં એક તાલીમાર્થી પાઇલટે પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે બીજા એકને બચાવી લેવામાં આવ્યા હતા.

    આ અંગે ભારતીય વાયુ સેનાએ સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરીને પુષ્ટિ કરી હતી.જેમાં લખ્યું હતું કે, “જામનગર એરફિલ્ડથી ઉડાન ભરી રહેલું IAF જેગુઆર બે સીટર વિમાન રાત્રિના મિશન દરમિયાન ક્રેશ થયું.”

    આગળ લખ્યું હતું કે, “પાઇલટ્સને ટેકનિકલ ખામીનો સામનો કરવો પડ્યો અને તેમણે એરફિલ્ડ અને સ્થાનિક લોકોને કોઈ નુકસાન ન થાય તે માટે વિમાનને બહાર કાઢવાની પહેલ કરી. કમનસીબે, એક પાયલટનું મોત નીપજ્યું જ્યારે બીજા પાયલટની જામનગરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.”

    IAFએ જાનહાનિ પર ખૂબ જ દુઃખ વ્યક્ત કર્યું હતું તથા અકસ્માતના કારણો શોધવા માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું.

    આ ઘટના જામનગર શહેરથી 12 કિમી દૂર સુવરદા ગામ પાસે બની હતી. ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેને જોઈને લાગે છે કે કોઈ ખેતરમાં આગ લાગી ગઈ છે. ક્રેશ થયેલા ફાઇટર જેટનો કોકપીટ અને પાછળનો ભાગ અલગ અલગ જગ્યાએ પડેલો હતો અને બંનેમાં આગ લાગી હતી.