Monday, July 14, 2025
More

    અંગત પળોનો વિડીયો વાયરલ થવાના ડરે અમદાવાદની યુવતીનો આપઘાત, 14મા માળેથી પડતું મૂક્યું

    અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક 21 વર્ષીય યુવતીએ બિલ્ડિંગ પરથી કૂદીને આપઘાત કરી લીધો હતો. પ્રેમી સાથેની અંગત પળોનો વિડીયો વાયરલ થવાના ડરે તેણે અંતિમ પગલું ભર્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસે આ મામલે આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. 

    પોલીસ અનુસાર, મૃતક અને આરોપી મોહિત બંને બે વર્ષથી પ્રેમસંબંધમાં હતા. 7 મહિના પહેલાં બંને એક ગેસ્ટહાઉસમાં ગયાં હતાં, જ્યાં અંગત પળોનો વિડીયો બનાવ્યો હતો. થોડા દિવસ પહેલાં મોહિતના મોબાઈલમાંથી તેના એક મિત્ર હાર્દિકે વિડીયો પોતાના ફોનમાં લઈ લીધો હતો. 

    2 જુલાઈના રોજ હાર્દિકે મૃતકને ફોન કરીને જણાવ્યું હતું કે તેનો એક વિડીયો પોતાની પાસે છે. ત્યારબાદ વૈષ્ણોદેવી સર્કલ પાસે એક હોટેલમાં મળવા માટે બોલાવી હતી. મૃતક યુવતી તેની એક મિત્ર અને તેના પતિ સાથે ત્યાં પહોંચી તો હાર્દિકે તેમને વિડીયો બતાવ્યો હતો. ત્યારબાદ ત્રણેયે મોહિતનો સંપર્ક કર્યો હતો અને વિડીયો ડિલીટ કરી દેવા માટે કહ્યું હતું, પણ મોહિતે ના પાડતાં યુવતીએ પોલીસને જાણ કરી દીધી હતી. 

    પોલીસ આવીને તમામને પોલીસ મથક લઈ ગઈ હતી અને ત્યારબાદ હાજરીમાં વિડીયો ડિલીટ કરાવ્યા હતા. ત્યારબાદ તમામને મોકલી આપ્યા હતા. પરંતુ યુવતીને ડર હતો કે તેનો વિડીયો વાયરલ થઈ જશે. ત્યારબાદ તેણે એક મિત્રના ફ્લેટમાંથી પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. 

    પોલીસે આ મામલે મોહિત અને હાર્દિક સામે ગુનો દાખલ કરીને મોહિતની ધરપકડ કરી લીધી છે. હાર્દિકની શોધખોળ ચાલી રહી છે.