મહાપર્વ મહાકુંભને લઈને ગુજરાતીઓ માટે ભૂપેન્દ્ર પટેલ સરકાર તરફથી GSRTC વોલ્વો બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સેવા શરૂ કર્યા બાદ રવિવારે એસટી વિભાગે મહાકુંભ સ્પેશ્યલ બસનું બુકિંગ ઓપન કરી દીધું હતું. પરંતુ આશ્ચર્યજનક સ્થિતિ એવી સર્જાઈ કે, બુકિંગ ઓપન થતાની સાથે આગામી 30 દિવસ માટેની તમામ ટિકિટ વેચાઈ ગઈ છે.
કદાચ સરકારને પણ ખ્યાલ નહીં હોય કે, ગુજરાતીઓ બુકિંગ ઓપન થવાની રાહમાં જ બેઠા હશે. 27 જાન્યુઆરીએ અમદાવાદના રાણીપ બસ ડેપો પરથી મહાકુંભ સ્પેશ્યલ બસ દોડાવવામાં આવનાર હતી. આ માટે GSRTCની ઓફિશિયલ વેબસાઈટ પર બુકિંગ વિન્ડો ખોલી દેવામાં આવી હતી. પરંતુ ગણતરીની મિનિટોમાં જ તમામ ટિકિટો વેચાઈ ગઈ છે અને બુકિંગ ફુલ થઇ ગયા છે. હાલ બુકિંગ સાઈટ પર આગામી 26 ફેબ્રુઆરી સુધી એક પણ બસ માટે સીટ મળવા પાત્ર નથી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે દરરોજ મહાકુંભ માટે 47 સીટની એસી વોલ્વો બસ દોડાવવાની ઘોષણા કર્યા બાદથી જ તેને સારો પ્રતિસાદ મળી રહ્યો હતો. તેવામાં તમામ બુકિંગ સોલ્ડ આઉટ થઈ જતા, તે સરકારના નિર્ણયની સફળતા દર્શાવે છે. બની શકે આવનારા સમયમાં સરકાર દ્વારા વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવે અને કદાચ મહાકુંભ જવા માટે આતુર ગુજરાતીઓને તેનો લાભ મળી શકે.
ચર્ચા એવી પણ ચાલી રહી છે કે, સરકાર વહેલી તકે વધારાની બસો દોડાવવાનો નિર્ણય લઈ શકે છે. બીજી તરફ કુંભ જવા ઉત્સુક શ્રદ્ધાળુઓ પણ બુકિંગ ફરી ઓપન થાય તેની રાહ જોઈ રહ્યા છે. સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર, આ સ્પેશ્યલ ટ્રીપનું શુલ્ક ₹8100 નક્કી કરવામ આવ્યું હતું, પરંતુ વેબસાઈટ અનુસાર આ ભાડું ₹7800 આસપાસ બતાવી રહ્યું છે.